ગુજરાત ભારતની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં અગ્રેસર; બે દાયકામાં રાષ્ટ્રીય GDPમાં ગુજરાતનું યોગદાન વધીને ૮.૩ ટકા થયું


(G.N.S) Dt. 28

ગાંધીનગર,

નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે,

  • ગુજરાતનો વિકાસ દર છેલ્લા ૧૦ વર્ષમાં સરેરાશ ૧૧.૪ ટકા રહ્યો; રાષ્ટ્રીય સરેરાશ ૧૦.૨ ટકા કરતા પણ વધુ
  • કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૯ ટકા અને નિકાસમાં ૨૬ ટકા સાથે ગુજરાત દેશમાં પ્રથમ
  • ૧૬માં નાણાપંચે ગુજરાતની વીજ વ્યવસ્થાને સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ ગણાવી
  • GST દરના સુધારાથી રાજ્યની જનતાને વાર્ષિક રૂ. ૧૧,૦૦૦ કરોડની વેરા બચતનો લાભ
  • રાજ્યમાં કરદાતાઓની સંખ્યા વધીને ૧૩.૬૯ લાખને પાર; GST આવક પણ ૧૨ ટકા વધી
  • EV વાહનો પરનો ૧ ટકા વેરો એક વર્ષ લંબાવવાથી નાગરિકોને રૂ. ૨૧૦ કરોડની રાહત
  • ગિફ્ટ સિટીમાં IFSCA દ્વારા ૧,૧૦૦થી વધુ એકમોની નોંધણી; માસિક એક્સચેન્જ ટર્નઓવર ૧૦૦ અબજ યુએસ ડોલરને પાર

અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાના અંતિમ દિવસે નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રાજ્યની મજબૂત નાણાકીય શિસ્તનું ચિત્ર રજૂ કર્યું

ગુજરાત વિધાનસભા ખાતે અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાના અંતિમ દિવસે નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રાજ્યની મજબૂત આર્થિક સ્થિતિ અને નાણાકીય શિસ્તનું ચિત્ર રજૂ કર્યું હતું.

નાણા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત@૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે સુશાસન અને જનભાગીદારીના જોરે વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે.

નાણા મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, વર્ષ ૨૦૨૬-૨૭નું આ બજેટ માત્ર આંકડાઓનો દસ્તાવેજ નહિ, પરંતુ રાજ્યના ચાર મુખ્ય સ્તંભો – ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના સર્વાંગી ઉત્કર્ષ તથા વિકાસ માટેનો એક સર્વગ્રાહી રોડમેપ છે.

સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ-SDGs ઇન્ડિયા ઇન્ડેક્સ મુજબ, ગુજરાત ‘સારા સ્વાસ્થ્ય અને સુખાકારી’માં દેશમાં પ્રથમ ક્રમે છે, જેનો સ્કોર વર્ષ ૨૦૧૮માં ૫૨ (બાવન) હતો, તે આજે વધીને ૯૦ થયો છે.

મંત્રી શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જયંતીના અવસરે આદિવાસી સમાજના ઉત્થાન માટે રાજ્ય સરકારે વિશેષ ભાર મૂકીને ‘જનજાતિય કલ્યાણ યોજના’ અંતર્ગત આગામી પાંચ વર્ષમાં રૂ. ૨ લાખ કરોડના વિકાસ કામો હાથ ધરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.

ચાલુ વર્ષના અંદાજપત્રમાં આ હેતુ માટે રાજ્ય સરકારે રૂ. ૩૫,૭૮૦ કરોડ જેટલી માતબર જોગવાઈ કરી છે, જે આદિવાસી ભાઈ-બધુઓના સામાજિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપશે.

રાજ્યની અર્થવ્યવસ્થાની મજબૂતી વર્ણવતા નાણા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત આજે ભારતની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં અગ્રેસર છે. છેલ્લા બે દાયકામાં રાષ્ટ્રીય GDPમાં ગુજરાતનું યોગદાન ૫.૧ ટકાથી વધીને ૮.૩ ટકા થયું છે.

‘રાજ્યનો સરેરાશ વિકાસ દર પણ છેલ્લા ૧૦ વર્ષમાં ૧૧.૪ ટકા રહ્યો છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૧૦.૨ ટકા કરતા વધારે છે. પરિણામે ગુજરાતની માથાદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશ કરતા ૬૦ ટકાથી વધુ નોંધાઈ છે.

ગુજરાત દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૯ ટકા અને નિકાસમાં ૨૬ ટકા સાથે પ્રથમ સ્થાને છે.

ચાલુ વર્ષના બજેટમાં નિકાસને પ્રોત્સાહન આપવા માટે ‘ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ’ (GEPC)ની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે રાજ્યના વેપારીઓને વૈશ્વિક બજારમાં પ્લેટફોર્મ પૂરું પાડશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ ગૌરવભેર જણાવ્યું હતું કે, ૧૬માં નાણાપંચે ગુજરાતની વીજ વ્યવસ્થાને સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ ગણાવી છે. રાજ્યની ચારેય ડિસ્કોમ કંપનીઓ સતત ટોચનું સ્થાન જાળવી રહી છે.

ટેકનોલોજીકલ ઇનોવેશન અને GUVNLના ‘સિંગલ બાયર મોડલ’ દ્વારા વીજ ખરીદીના ખર્ચમાં ઘટાડો થયો છે.

તદુપરાંત, HVDS સિસ્ટમ અને GPRS મીટરિંગ દ્વારા વિતરણ જેવા તકનીકી સુધારાથી નુકસાન ન્યૂનતમ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત સરકાર દ્વારા સમયસર સબસિડી મળતા ડિસ્કોમ્સનો વ્યાજ ખર્ચ પણ માત્ર ૦.૯૭ ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૭.૪૪ ટકાની સરખામણીએ સાત ગણો ઓછો છે.

શ્રી કનુભાઈ દેસાઈએ ગર્વપૂર્વક કહ્યું હતું કે, ગુજરાતે ચુસ્ત નાણાકીય શિસ્ત જાળવવા અને જાહેર દેવામાં ઘટાડો કરવા માટે “ફિસ્કલ રિસ્પોન્સીબીલીટી એન્ડ બજેટ મેનેજમેન્ટ (FRBM) એક્ટ-૨૦૦૩” હેઠળના તમામ નાણાકીય લક્ષ્યાંકો સફળતાપૂર્વક સિદ્ધ કર્યા છે.

છેલ્લા ૨૨ વર્ષથી એટલે કે, વર્ષ ૨૦૦૪-૦૫ થી ૨૦૨૫-૨૬ દરમિયાન ગુજરાતે એક પણ વાર ઓવરડ્રાફ્ટ લીધો નથી.

સાથે જ, કોવિડના વર્ષ સિવાય છેલ્લા ૧૦ વર્ષથી રાજ્ય સરકાર સતત મહેસૂલી પુરાંત જાળવી રહી છે. વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૨૩,૭૨૫ કરોડની મહેસૂલી પુરાંત અંદાજવામાં આવી છે.

જાહેર દેવા અંગે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યના GSDPના સાપેક્ષમાં દેવાની મર્યાદા ૨૭.૧૦ ટકા સુધી રાખવાની મર્યાદા છે. અંદાજપત્રના કદમાં ૧૦.૨૧ ટકાના વધારા છતાં, રાજ્યનું દેવું વર્ષ ૨૦૨૬-૨૭માં માત્ર ૧૪.૬૫ ટકા જ રાખવામાં આવશે.

આ ઉપરાંત વર્ષ ૨૦૨૬-૨૭માં રાજવિત્તીય ખાધ એટલે કે, ફિસ્કલ ડેફીસીટને પણ ૩ ટકાની મર્યાદા સામે ૨ ટકાથી ઓછી રાખવામાં આવશે.

કુશળ નાણાકીય વ્યવસ્થાપનના પરિણામે રાજ્યની મહેસૂલી આવકના પ્રમાણમાં વ્યાજનો ખર્ચ ઘટાડીને ૨૦ ટકાની મર્યાદામાં લાવવામાં સફળતા મળી છે. હવે વર્ષ ૨૦૨૬-૨૭માં વ્યાજનો આ ખર્ચ માત્ર ૧૦.૮૬ ટકા સુધી જ સીમિત રાખવાનો સરકારનો મક્કમ નિર્ધાર છે.

વેપારીઓ અને સામાન્ય જનતા માટે લેવાયેલા નિર્ણયોની વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે કરેલા GST દરના સુધારાના પરિણામે ગુજરાતની જનતાને વાર્ષિક અંદાજે રૂ. ૧૧,૦૦૦ કરોડની વેરા બચતનો લાભ મળશે.

કરદાતાઓની જોખમના મૂલ્યાંકનના આધારે કરાયેલા રિફંડની ૯૦ ટકા રકમ હવે માત્ર ૭ દિવસમાં પ્રોવિઝનલ રીફંડ તરીકે ચૂકવવામાં આવશે.

છેલ્લા ત્રણ મહિનામાં ૫૨,૦૦૦ નવા વેપારીઓ GST સાથે જોડાયા છે અને કુલ નોંધાયેલા કરદાતાઓની સંખ્યા ૧૩.૬૯ લાખ પર પહોંચી છે. પરિણામે રાજ્યની GST આવક પણ ૧૨ ટકા વધી છે.

અગાઉ જામનગરના વેપારીઓને GST રજીસ્ટ્રેશન માટે જૂનાગઢ જવું પડતું હતું. હવેથી અઠવાડિયામાં બે દિવસ GST રજીસ્ટ્રેશનની વ્યવસ્થા જામનગરમાં શરૂ કરવામાં આવી છે.

આગામી સમયમાં આણંદ, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, ભૂજ અને પાટણ જેવા વિસ્તારોમાં પણ આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

આ ઉપરાંત બજેટમાં ઇલેક્ટ્રિક વાહનો પરનો ૧% વેરો વધુ એક વર્ષ લંબાવવામાં આવ્યો છે, જેનાથી રાજ્યની જનતાને રૂ. ૨૧૦ કરોડની રાહત મળશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અંતમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગિફ્ટ સિટી ખાતે IFSCA દ્વારા ૧,૧૦૦થી વધુ એકમોની નોંધણીઓ થઇ છે.

૩૮ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બેંકો, ૬૭ વીમા કંપનીઓ, ૬૦ ફીન-ટેક તેમજ અન્ય વિવિધ પ્રકારના નાણાકીય એકમો સાથે ગિફ્ટ સિટી વિશ્વમાં ઓફશોર નાણાકીય પ્રવૃત્તિઓના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.

છેલ્લા સાત વર્ષમાં બેંકિંગ અસ્કયામતોના કુલ કદમાં સાત ગણો વધારો થયો છે, જ્યારે માસિક એક્સચેન્જ ટર્નઓવર હવે ૧૦૦ અબજ યુએસ ડોલરને વટાવી ગયું છે, જે ગીફ્ટ સિટીની વધતી જતી વૈશ્વિક પ્રતિષ્ઠા દર્શાવે છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *