પડતર માંગણીઓ મુદ્દે બહેનોના મક્કમ મિજાજથી તંત્ર સ્તબ્ધ
બાળકોના પોષણ અને શિક્ષણ પર બ્રેક, વાલીઓમાં રોષ
બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ પોતાની લાંબા સમયની પડતર માંગણીઓને લઈને હડતાલનું રણશિંગુ ફૂંક્યું છે. ડીસા તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં આંગણવાડીની બહેનો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતાં ગ્રામીણ સ્તરે ચાલતી પાયાની સેવાઓ ખોરવાઈ ગઈ છે. જિલ્લાની હજારો આંગણવાડીઓ પર આજે તાળા લટકતા જોવા મળ્યા હતા, જેના કારણે સરકારના કુપોષણ મુક્ત અભિયાન સામે પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થયા છે.આંગણવાડી કાર્યકરોનો આક્ષેપ છે કે તેઓ સતત વધારાની કામગીરી અને મોંઘવારીના જમાનામાં જૂજ વેતન સાથે કામ કરી રહ્યા છે. ત્યારે તેમના માનદ વેતનમાં સન્માનજનક વધારો,સરકારી કર્મચારીનો દરજ્જો તેમજ નિવૃત્તિ બાદ પેન્શન અને ગ્રેચ્યુઈટીનો લાભ આપવા ઉપરાંત વધારાની ઓનલાઈન કામગીરીનું ભારણ ઘટાડવાની માંગ કરી છે હડતાલને કારણે સૌથી વધુ અસર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર પડી રહી છે.
આંગણવાડીમાં આવતા ભૂલકાઓને મળતો પૌષ્ટિક આહાર (નાસ્તો અને ગરમ ભોજન) બંધ થઈ ગયો છે. આ ઉપરાંત, બાળકોનું પૂર્વ-પ્રાથમિક શિક્ષણ પણ અટકી પડતા વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. સગર્ભા અને ધાત્રી માતાઓને મળતી આરોગ્યલક્ષી સહાય અને પૂરક પોષણની કામગીરી પણ હાલ ઠપ્પ છે.ડીસા તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં આંગણવાડી એક મહત્વનું કેન્દ્ર છે. હડતાલના કારણે કેન્દ્રો બંધ રહેતા ગ્રામીણ મહિલાઓએ જણાવ્યું હતું કે, અમારા બાળકોને શિક્ષણ અને પોષણ જે આંગણવાડીમાંથી મળતું હતું તે હવે બંધ છે. સરકારે વહેલી તકે આ બહેનોની માંગણીઓ સંતોષવી જોઈએ જેથી અમારા બાળકોનું ભવિષ્ય ન બગડે. હડતાલ પર ઉતરેલી આંગણવાડી કાર્યકર બહેનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અમે વર્ષોથી પાયાની કામગીરી કરીએ છીએ, છતાં સરકાર અમને અવગણી રહી છે. જ્યાં સુધી લેખિતમાં ઠોસ ખાતરી નહીં મળે ત્યાં સુધી અમે કામ પર પરત ફરીશું નહીં.

