(જી.એન.એસ) તા. 17
ગાંધીનગર/રાજકોટ,
વિધાનસભા ગૃહમાં રાજકોટ જિલ્લાના રાજકોટ અને જસદણ તાલુકામાં કાર્યરત જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત કરવામાં આવેલી કામગીરી અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં નર્મદાના પાણી અથવા સ્થાનિક ડેમ આધારિત શુદ્ધ પાણી નાગરિકોને પહોંચાડવામાં આવે છે.
તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ રાજકોટ અને જસદણ તાલુકાના કુલ ૧૧૫ ગામના ૩,૪૮,૮૪૨ નાગરિકોને લાભ આપવામાં આવી રહ્યો છે. આ યોજના અંતર્ગત રૂ. ૨૦,૩૩૨.૨૮ લાખના નાગરિકલક્ષી કામ પૂર્ણ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ભાવનગર જિલ્લાના પસવી જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના વિશે માહિતી આપતા મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં કુલ ૧૨ જૂથ યોજનાઓ અંતર્ગત ૬૬૧ ગામના નાગરિકોને લાભ આપવામાં આવે છે. આ યોજનાના ફેઝ ૨ કાર્યરત થવાથી અંદાજિત ૨,૯૧,૫૭૭ નાગરિકોને માથાદીઠ ૧૦૦ લીટર જેટલું પાણી આપવામાં આવે છે. જેમાં ૯૫ ગામના નાગરિકોને લાભ આપવામાં આવે છે.

