નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમા વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ રજુ કરવામાં આવ્યું


(જી.એન.એસ) તા. ૧

નવી દિલ્હી,

નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમનું સતત નવમું બજેટ રજૂ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 2019માં તેમના પહેલા બજેટમાં, સીતારામણે દાયકાઓ જૂના ચામડાના સૂટકેશને લાલ કાપડમાં લપેટેલા પરંપરાગત ‘વહી-ખાતા’માં બદલી નાખ્યું હતું. છેલ્લા ચાર વર્ષની જેમ આ વર્ષનું બજેટ પણ પેપરલેસ સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યુ હતું.

નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે લોકસભામાં લગભગ દોઢ કલાક લાંબા ભાષણમાં બજેટ 2026-27 ના ભાષણનું સમાપન કર્યું, જેમાં તેમણે વિકાસ, રોકાણ અને નાણાકીય સ્થિરતા પર આધારિત સરકારનો આર્થિક રોડમેપ રજૂ કર્યો.

નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે પરંપરાગત પૂર્વ-બજેટ પ્રોટોકોલનું પાલન કર્યું. સ્થાપિત પરંપરા મુજબ, તેમણે સંસદ જતા પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા.

દિવસની શરૂઆતમાં, સીતારમણે કર્તવ્ય ભવનમાં તેમના કાર્યાલયની બહાર તેમની બજેટ ટીમ સાથે ફોટોગ્રાફી કરી. મેજેન્ટા સિલ્ક સાડી પહેરેલી, તેઓ રાષ્ટ્રીય પ્રતીક ધરાવતું લાલ પાઉચમાં બંધ ટેબ્લેટ લઈને નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને નાણા મંત્રાલયના છ સચિવો સાથે જોવા મળ્યા.

આ બજેટમાં દેશના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનાવવા માટે કેટલીક મહત્ત્વની જાહેરાત કરાઈ છે. કેન્સરના દર્દીઓને રાહત આપવાથી લઈને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

1. કેન્સર અને ગંભીર રોગોની દવાઓ થશે સસ્તી

સરકારે કેન્સરના દર્દીઓને મોટી આર્થિક રાહત આપતા 17 જીવનરક્ષક કેન્સર દવાઓ પરની ‘બેઝિક કસ્ટમ ડ્યુટી’ સંપૂર્ણપણે હટાવી દીધી છે. આ નિર્ણયથી કેન્સરના દર્દીઓ માટે મોંઘી દવાઓ સસ્તી બનશે. આ ઉપરાંત, અન્ય સાત દુર્લભ રોગોની દવાઓ પર પણ આયાત ડ્યુટી માફ કરવામાં આવી છે, જેનાથી મોંઘી સારવાર સામાન્ય લોકો માટે સસ્તી અને સુલભ બનશે.

2. ‘બાયો-ફાર્મા શક્તિયોજનાનો પ્રારંભ

ભારતને વિશ્વનું નંબર વન ફાર્માસ્યુટિકલ હબ બનાવવાના લક્ષ્ય સાથે ₹10,000 કરોડના રોકાણ સાથે ‘બાયો-ફાર્મા શક્તિ’ યોજનાની જાહેરાત કરાઈ છે. જેનો ઉદ્દેશ્ય કેન્સર અને ડાયાબિટીસ જેવી જૈવિક દવાઓનું સ્થાનિક ઉત્પાદન વધારવાનો છે. દેશભરમાં 10,000 નવી ક્લિનિકલ ટ્રાયલ સાઇટ્સ બનાવવામાં આવશે. બાયો-ફાર્મા ક્ષેત્રમાં 3 નવી રાષ્ટ્રીય સંસ્થાઓ સ્થપાશે અને હયાત 7 સંસ્થાઓને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરાશે.

3. આરોગ્ય ક્ષેત્રમાં 2.5 લાખ નોકરીઓ

આગામી પાંચ વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે કૌશલ્ય વિકાસ દ્વારા લાખો નોકરીઓ ઊભી કરવામાં આવશે. 1,00,000 સહાયક આરોગ્ય કાર્યકરો (AHP) ને વિશેષ તાલીમ આપવામાં આવશે. 1,50,000 કેર-ગિવર્સ (સંભાળ રાખનારા) તૈયાર કરવામાં આવશે, જે મુખ્યત્વે વૃદ્ધોની સારસંભાળ કરશે. રેડિયોલોજી અને એનેસ્થેસિયા જેવા વિશિષ્ટ વિષયોના શિક્ષણ અને સંસ્થાઓમાં સુધારો કરવામાં આવશે.

4. મેડિકલ ટુરિઝમ અને પ્રાદેશિક હબ

દેશમાં મેડિકલ ટુરિઝમને વેગ આપવા માટે ખાનગી ક્ષેત્રના સહયોગથી 5 મુખ્ય મેડિકલ હબ સ્થાપવામાં આવશે. આ ‘હેલ્થકેર સંકુલ’માં આયુષ કેન્દ્રો, ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ (તપાસ કેન્દ્રો) અને સારવાર બાદની સારસંભાળ (રિહેબિલિટેશન) જેવી તમામ સુવિધાઓ એક જ છત નીચે મળશે. આ હેલ્થકેર ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે રોજગારીની નવી તકો ઊભી કરશે.

5. દેશમાં 3 નવી આયુર્વેદ સંસ્થાઓની જાહેરાત

દેશમાં 3 નવી ‘અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાઓ’ (All India Institutes of Ayurveda) સ્થાપવામાં આવશે. જામનગરમાં આવેલા WHO ગ્લોબલ સેન્ટરને વધુ મજબૂત બનાવી આયુર્વેદિક ઉત્પાદનોની નિકાસ વધારવામાં આવશે. વિશ્વસ્તરે યોગ અને આયુર્વેદની સ્વીકૃતિ વધારવા પર વિશેષ ભાર મુકાશે.

6. માનસિક સ્વાસ્થ્ય અને ઇમરજન્સી સેવાઓ

NIMHANS-2: ઉત્તર ભારતમાં એક નવી રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય સંસ્થાની સ્થાપના થશે. ડિજિટલ પ્રોફેશનલ્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સના માનસિક સ્વાસ્થ્ય માટે વિશેષ કાર્યક્રમો ચલાવવામાં આવશે. જિલ્લા હોસ્પિટલોમાં ઈમરજન્સી અને ટ્રોમા કેરની ક્ષમતામાં 50% વધારો કરવામાં આવશે. રાંચી અને તેજપુરની આરોગ્ય સંસ્થાઓને અપગ્રેડ કરવામાં આવશે અને કૃત્રિમ અંગોના ઉત્પાદન માટે વિશેષ સહાય અપાશે.

બજેટ 2026માં સામાન્ય જનતાને રાહત આપવા માટે CNG અને બાયોગેસને સસ્તું કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી CNG વાહનો ચલાવતા લોકોના ઈંધણ ખર્ચમાં સીધો ઘટાડો થશે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સને પણ મોટી રાહત મળશે. નાણામંત્રીએ બજેટ 2026માં બાયોગેસ મિશ્રિત CNG પર કસ્ટમ ડ્યુટીની ગણતરી કરવાની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. હવેથી કસ્ટમ ડ્યુટીની ગણતરી કરતી વખતે બાયોગેસની કિંમત પર છૂટ આપવામાં આવશે.

CNG વાહનો ચલાવવા સસ્તા થશે

સરકારના આ નિર્ણયથી બાયોગેસ આધારિત ઈંધણ સસ્તું થશે. જેની સીધી અસર CNG વાહનોના સંચાલન ખર્ચ અને ઓટો ઈન્ડસ્ટ્રી પર પડશે. આ ઉપરાંત, બજેટમાં EV બેટરી પણ સસ્તી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા હવે પહેલા કરતા વધુ સસ્તા થશે.

અત્યાર સુધી બાયોગેસ મિશ્રિત CNG પર કસ્ટમ ડ્યુટીની ગણતરી કુલ ઈંધણના મૂલ્યના આધારે કરવામાં આવતી હતી. બજેટ 2026 મુજબ, હવે ડ્યુટી કેલ્ક્યુલેશનમાં બાયોગેસના મૂલ્યને અલગ રાખવામાં આવશે, જેનાથી ટેક્સનો બોજ ઘટશે અને ગેસ સસ્તો થશે.

ઓટોમોબાઈલ સેક્ટરને થશે ફાયદો

ઈંધણ ખર્ચમાં ઘટાડો: CNG અને બાયોગેસ આધારિત વાહનોનો રનિંગ કોસ્ટ ઘટશે.

વધુ કિફાયતી મુસાફરી: CNG કાર, ટેક્સી અને કોમર્શિયલ વાહનો ચલાવવા વધુ સસ્તા બનશે.

નવું રોકાણ: ઓટો કંપનીઓને CNG અને ફ્લેક્સ-ફ્યુલ ટેકનોલોજીમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન મળશે.

પબ્લિક ટ્રાન્સપોર્ટ: બસ અને ફ્લીટ ઓપરેટર્સને રાહત મળવાથી પરિવહન ખર્ચ ઘટી શકે છે.

ગ્રીન એનર્જી અને આત્મનિર્ભર ભારત

સરકારનો આ નિર્ણય માત્ર ઓટો ઇન્ડસ્ટ્રી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનાથી અનેક દૂરોગામી ફાયદા થશે:

વેસ્ટ-ટુ-એનર્જી: બાયોગેસ પ્લાન્ટ અને કચરામાંથી ઉર્જા બનાવવાના પ્રોજેક્ટ્સને વેગ મળશે.

ગ્રામીણ અર્થતંત્ર: ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોને બાયોગેસના ઉત્પાદનથી આર્થિક લાભ થશે.

પર્યાવરણ: કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ભારતના લક્ષ્યને મજબૂતી મળશે.

આયાતમાં ઘટાડો: વિદેશી અશ્મિભૂત ઈંધણ (Fossil Fuel) પરની નિર્ભરતા ઓછી થશે.

તેમજ આ વર્ષે બજેટમાં વિદેશમાં અભ્યાસ પરના ટેક્સમાં રાહત આપી. શિક્ષણ અને આરોગ્ય પરનો TCS 5 ટકાથી ઘટાડીને 2 ટકા કરવામાં આવ્યો છે, જેનાથી માતા-પિતાના હજારો રૂપિયાની બચત થાય છે. આ ટેક્સ 10 લાખ રૂપિયાથી વધુ મોકલવા પર લાદવામાં આવે છે. વધુમાં તબીબી ખર્ચ પરનો TCS પણ 5 ટકાથી ઘટાડીને 2 ટકા કરવામાં આવ્યો છે, જેનો અર્થ છે કે વિદેશમાં સારવાર થોડી સસ્તી થશે.

TCSમાં ઘટાડાથી કેટલા પૈસા બચશે?

10 લાખ રૂપિયાથી વધુ ફી પર ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS) વસૂલવામાં આવે છે. અગાઉ 10 લાખ રૂપિયાથી વધુ ફી પર 5 ટકા TCS વસૂલવામાં આવતો હતો, જે હવે ઘટાડી દેવામાં આવ્યો છે. અગાઉ 20 લાખ રૂપિયા પર 1 લાખ રૂપિયાનો ટેક્સ ઘટાડીને માત્ર 40 હજાર રૂપિયા કરવામાં આવ્યો. આનો અર્થ એ થાય કે 60 હજાર રૂપિયાની સીધી બચત થાય છે. આ માટે પાન કાર્ડ જરૂરી છે; પાન કાર્ડ વિના, ટેક્સની રકમ બમણી થઈ શકે છે. એકંદરે, તબીબી સારવાર અથવા શિક્ષણ માટે વિદેશમાં નાણાં મોકલવાનું હવે સરળ બનશે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, ‘હું લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ શિક્ષણ અને તબીબી હેતુઓ માટે TCS દર 5 ટકાથી ઘટાડીને 2 ટકા કરવાનો પ્રસ્તાવ મૂકું છું.’

GDP વૃદ્ધિ અંગે માહિતી

દેશના અર્થતંત્ર અંગે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, ‘2026-27માં સરેરાશ દેવા-થી-GDP ગુણોત્તર GDPના 55.6 ટકા રહેવાનો અંદાજ છે, જે પાછલા નાણાકીય વર્ષ, 2025-26માં 56.1 ટકા હતો. રાજકોષીય ખાધ GDPના 4.3 ટકા રહેશે, જે 2025-26માં 4.4 ટકા હતી. 2026-27માં દેવા સિવાયની આવક 36.5 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે.

વિદેશ યાત્રા પણ સરળ બનશે

વિદેશ યાત્રા ખર્ચ પરના કર અને કસ્ટમ્સ (TCS)માં ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી પ્રવાસના શોખીનોને થોડી રાહત મળી છે. આનાથી તેઓ વધુ સસ્તા દરે મુસાફરી કરી શકશે. અગાઉ રજાઓ અને મુસાફરી પેકેજો બુક કરાવતા લોકોએ આ કર ચૂકવવો પડતો હતો. વધુમાં નાણામંત્રીએ જાહેરાત કરી કે નાના વ્યવસાયો, આઉટસોર્સિંગ એજન્સીઓ અને ફ્રીલાન્સર્સ માટે કર નિયમો સરળ બનાવવામાં આવશે.

બજેટ 2026-27માં નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતને આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે ‘રેર અર્થ કોરિડોર’ (Rare Earth Corridors) ના નિર્માણનો દૂરદર્શી પ્રસ્તાવ મૂક્યો છે. આ પગલું મુખ્યત્વે ચીન જેવા દેશો પર ભારતની નિર્ભરતા ઘટાડવા અને ભવિષ્યના ઉદ્યોગોને (EV, સંરક્ષણ અને પુનઃપ્રાપ્ય ઉર્જા)  સુરક્ષિત કરવા માટે લેવામાં આવ્યું છે.

નાણામંત્રીએ ખનિજ સમૃદ્ધ રાજ્યો ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ માં સમર્પિત કોરિડોર વિકસાવવા માટે સહાયની જાહેરાત કરી છે. આ પહેલ નવેમ્બર 2025 માં શરૂ કરાયેલ ₹7,280 કરોડની ‘રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ સ્કીમ’ નો જ એક ભાગ છે.

આ કોરિડોર માત્ર ખાણો નથી, પરંતુ એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ છે:

– દરિયાકાંઠાની રેતીમાંથી દુર્લભ ખનિજો શોધી કાઢવા.

– કાચી ધાતુને શુદ્ધ ઓક્સાઈડ અને ધાતુઓમાં રૂપાંતરિત કરવી.

– આ ખનિજોનો ઉપયોગ કરીને ‘પરમેનન્ટ મેગ્નેટ’ અને હાઈ-ટેક ઘટકોનું નિર્માણ કરવું.

ભારતમાં ‘રેર અર્થ’ તત્વોનો સૌથી મોટો ભંડાર દરિયાકિનારે જોવા મળે છે. ઓડિશા અને કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોનાઝાઈટ અને ઈલ્મેનાઈટ જેવા ખનિજોનો વિશાળ ભંડાર છે. તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઇલના (EV) મોટા મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર છે, જ્યાં આ ખનિજોની સૌથી વધુ જરૂર પડે છે.

આ યોજના ભારત માટે શા માટે ગેમ ચેન્જરછે?

વૈશ્વિક સપ્લાય ચેઈનનો વિકલ્પ: અત્યારે વિશ્વ રેર અર્થ માટે ચીન પર 90% નિર્ભર છે. જો ચીન નિકાસ અટકાવે, તો દુનિયાની ટેકનોલોજી થંભી શકે છે. ભારત આ કોરિડોર દ્વારા વિશ્વ માટે ‘વૈકલ્પિક સપ્લાયર’ બની શકે છે.

ખર્ચમાં ઘટાડો: ભારત અત્યારે મેગ્નેટ અને ચિપ્સની આયાત કરે છે. સ્થાનિક સ્તરે ઉત્પાદન થવાથી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને કારની કિંમતોમાં 10% થી 15% નો ઘટાડો થઈ શકે છે.

રોજગારીની તકો: આ માત્ર વિજ્ઞાનનો વિષય નથી, પરંતુ આ ચાર રાજ્યોમાં માઇનિંગ એન્જિનિયર્સ, કેમિકલ રિસર્ચર્સ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં હજારો નવી નોકરીઓ ઊભી થશે.

સેમીકન્ડક્ટર સાથે જોડાણ: સરકારે જાહેર કરેલ ₹40,000 કરોડનું ‘ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ ફંડ’ અને આ કોરિડોર મળીને ભારતને ‘ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ હબ’ બનાવશે.

ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે સરકારે હવે પરંપરાગત ખેતીની સાથે ‘હાઈ વેલ્યૂ ક્રોપ’ (ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકો) અને આધુનિક ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

નાળિયેર અને કાજુના ઉત્પાદન માટે સ્પેશિયલ મિશન

બજેટમાં નાળિયેર, કાજુ અને કોકોના ઉત્પાદનને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. નાળિયેરની ખેતી કરતા રાજ્યોમાં જૂના અને ક્ષતિગ્રસ્ત વૃક્ષોને હટાવી નવી ઉચ્ચ ગુણવત્તાવાળી જાતોના વાવેતર માટે સહાય અપાશે. વર્ષ 2030 સુધીમાં ભારતીય કાજુ અને કોકોને ‘પ્રીમિયમ ગ્લોબલ બ્રાન્ડ’ બનાવવા માટે વિશેષ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે, જેથી ભારત આ ક્ષેત્રે આત્મનિર્ભર બની નિકાસ વધારી શકે.

ખેતીમાં AI અને મહિલાઓ માટે શી-માર્ટ્સ

સરકારે ખેતીમાં વિજ્ઞાનનો સમન્વય કરતા બે મોટી પહેલ કરી છે. કૃષિ ઉત્પાદકતા વધારવા અને રોગ-જીવાતની સચોટ આગાહી માટે ખેતીમાં AI  (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.  મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે ખાસ ‘શી-માર્ટ્સ’ની સ્થાપના કરવામાં આવશે, જ્યાં મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ થઈ શકશે.

મત્સ્યઉદ્યોગનો વિકાસ

નાણાંમંત્રીએ મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે 500 નવા જળાશયો વિકસાવવાની જાહેરાત કરી છે. આ પગલાથી જળચર પ્રાણીઓના સંવર્ધન અને માછીમારોની આવકમાં મોટો ઉછાળો આવવાની અપેક્ષા છે.

ઇન્કમ ટેક્સ પર કોઈ પણ પ્રકારની છૂટની જાહેરાત નથી કરાઈ. વર્તમાન ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી. નાણામંત્રીની બજેટ સ્પીચ પૂરી થયા બાદ શેરમાર્કેટમાં કડાકો બોલ્યો હતો. એક સમયે તો સેન્સેક્સ 2300 પોઇન્ટ ગબડ્યો અને નિફ્ટી 600થી વધારે પોઇન્ટ ગબડ્યો હતો. જો કે બાદમાં ધીમે ધીમે શેરમાર્કેટ રિકવરી તરફ આગળ વધ્યું પરંતુ એ સ્પષ્ટ છે કે આ બજેટથી રોકાણકારો થોડા નિરાશ થયા છે. 

સરકાર આગામી સમયમાં મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા તરફ પગલાં લેશે. આ માટે 5 સેન્ટર બનાવવામાં આવશે જેમાં રાજ્યોને સરકાર મદદ કરશે. આ સિવાય લોથલ અને હસ્તિનાપુર જેવા દેશનો વૈવિધ્યસભર વારસો ધરાવતા 15 સ્થળોનો વિકાસ કરવામાં આવશે.

કરદાતાઓ માટે બજેટમાં મોટી રાહતની જાહેરાત કરી. હવે આવકવેરા રિટર્ન રિવાઇઝ કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બરથી વધારીને 31 માર્ચ સુધી લંબાવવામાં આવી, જોકે તેના માટે નજીવી ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત આઈટીઆર ફાઇલ કરવાની ટાઇમલાઇનમાં પણ ફેરફાર સૂચવાયો. જેમાં ITR 1 અને 2 ભરનારા વ્યક્તિગત કરદાતાઓ 31 જુલાઈ સુધી રિટર્ન ભરી શકશે, જ્યારે ટ્રસ્ટ અને નોન-ઑડિટ બિઝનેસ માટે આ મર્યાદા 31 ઑગસ્ટ સુધી રહેશે. 

સુરત-ડંકુની ફ્રેઇટ કોરિડોરની જાહેરાત

સુરતથી પશ્ચિમ બંગાળના ડંકુની વચ્ચે રેલવે ટ્રેક બનશે. આ ખાસ રેલવે ટ્રેક માત્ર માલગાડીઓ માટે હશે. જેનાથી સુરતનું ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટ સીધું પૂર્વીય ભારત સાથે ઝડપથી જોડાશે. ટ્રક કરતાં ટ્રેન દ્વારા માલ મોકલવો સસ્તો અને ઝડપી થતાં સુરતના વેપારીઓને ફાયદો થશે. 

7 નવી હાઇ સ્પીડ રેલ કોરિડોર

1. મુંબઈ-પૂણે

2. પૂણે-હૈદરાબાદ

3. હૈદરાબાદ-ચેન્નઈ

4.હૈદરાબાદ-બેંગલુરુ

5.ચેન્નઈ-બેંગલુરુ

6.દિલ્હી-વારાણસી

7.વારાણસી-સિલિગુડી



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *