પાલિકાની કડક કાર્યવાહીના પગલે દબાણદારોમાં ફફડાટ
ડીસા શહેરને આધુનિક અને સુવિધાજનક બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા ‘આઇકોનિક રોડ’ પ્રોજેક્ટની કામગીરી હવે વેગ પકડી રહી છે. આ કામગીરીના ભાગરૂપે આજે ડીસા નગરપાલિકા દ્વારા જલારામ મંદિર આસપાસના વિસ્તારોમાં રોડ પર નડતરરૂપ એવા કાચા-પાકા દબાણો દૂર કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાંબા સમયથી જલારામ મંદિર પાસેના મુખ્ય માર્ગ પર લારી-ગલ્લા અને અન્ય ગેરકાયદે બાંધકામોને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આઇકોનિક રોડના નિર્માણમાં આ દબાણો મુખ્ય અવરોધ બનતા હતા. આજે સવારથી જ પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી અને જેસીબીની મદદથી દબાણો હટાવ્યા હતા. રોડની સાઈડમાં ઊભા કરી દેવાયેલા પતરાના શેડ, ઓટલા અને લારી-ગલ્લા દૂર કરાયા.આ વિસ્તારમાં થતા ટ્રાફિક જામની સમસ્યામાંથી નાગરિકોને કાયમી છુટકારો મળશે.દબાણ મુક્ત થયેલી જગ્યા પર હવે ફૂટપાથ અને આધુનિક રોડનું કામ ઝડપથી શરૂ કરવામાં આવશે.પાલિકાની આ ઓચિંતી કાર્યવાહીને પગલે અન્ય વિસ્તારોના દબાણકર્તાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકા સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરના વિકાસમાં આડે આવતા તમામ દબાણો આગામી દિવસોમાં પણ તબક્કાવાર દૂર કરવામાં આવશે.


