ગામમાં શિક્ષણ, આરોગ્ય અને મૂળભૂત સુવિધાઓ ગામને નવા શિખરે લઈ જશે : ધારાસભ્ય
સિધ્ધપુર તાલુકાના નાગવાસણ ગામના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે અંદાજિત રૂ.3 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત તથા રૂ.10.21લાખના કામોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયા હતા. નાગવાસણ ગામે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના શુભ હસ્તે સરકારી માધ્યમિક શાળાના રૂ. 2.35 કરોડના ખર્ચે નિર્માણ થનારા નવા મકાનનું ખાતમુહૂર્ત, રૂ.35 લાખના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે આરોગ્ય સબસેન્ટર તેમજ તરસંગજીપુરા ખાતે પીવાના પાણી માટેના નવા સંપ સહિત અનેક વિકાસકાર્યોનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત પ્રાથમિક શાળાના નવનિર્મિત પ્રાર્થના શેડ, ગામમાં નવી નંખાયેલ પાણીની પાઈપ લાઈન, દાતાઓ દ્વારા પંચાયત ઘર ખાતે અર્પણ કરાયેલ ઠંડા પાણીના કુલર તથા ગામની જાહેર જગ્યાઓ માટેની સાઉન્ડ સિસ્ટમનું જનસેવા માટે લોકાર્પણ કરી તેમણે જણાવ્યું કે, આ તમામ કાર્યો ગામના શિક્ષણ, આરોગ્ય અને મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવી ગામને વિકાસના નવા શિખરે લઈ જશે.આ કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો, વરિષ્ટ આગેવાનો, ગામના સરપંચ સહિત આગેવાનો, દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

