ડીસાના જાણીતા દાડમના વેપારી સંતોષભાઈ ઉર્ફે સંજયભાઈની ચાર વર્ષ અગાઉ થયેલી હત્યા કેસમાં થરાદ એડિશનલ સેસન્સ કોર્ટ દ્વારા આજે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. હત્યા કેસ મુજબ, ચાર વર્ષ પહેલા વેપારી સંતોષભાઈની દોરડાથી ગળે ફાંસો આપી હત્યા કરવામાં આવી હતી અને પુરાવા નષ્ટ કરવા માટે તેમની લાશ કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. શરૂઆતમાં આ ઘટનાની ફરિયાદ થરાદ પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધાઈ હતી.
પછી પોલીસ તપાસ દરમિયાન વેપારી સાથે રહેતા બે શખ્સોએ રૂપિયા હડપ કરવા આ ક્રૂર હત્યા કરી હોવાનું ખુલ્યું હતું.જેમાં આરોપીઓ રમેશભાઈ નાનજીભાઈ ચૌધરી (રહે. નાના ગોળીયા, ભેસાણા તા. દિયોદર) અને કિરણકુમાર વિનોદભાઈ દેહળાજી ઠાકોર (મૂળ રહે. ભીમબોરડી તા. ભાભર, હાલ રહે. નાના ગોળીયા, ભેસાણા તા. દિયોદર) એ વેપારીની લૂંટ કરી અને પછી પુરાવા નાશ કરવા માટે હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. કેસનો ટ્રાયલ એડિશનલ સેશન કોર્ટ થરાદમાં ચાલી જતાં આજે ન્યાયાધીશે બંને આરોપીઓને આજીવન કેદની સજા તથા દોઢ – દોઢ લાખ રૂપિયા દંડની સજા ફટકારી છે.કોર્ટ દ્વારા દંડની રકમમાંથી બે લાખ રૂપિયા મૃતક વેપારીની પત્નીને વળતર રૂપે આપવાનો ખાસ હુકમ કર્યો.

