મહેસાણા શહેરના શોભાસણ રોડ પર જૂની અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવાની ઘટનાએ ચકચાર જગાવી છે. યુવતીને ભગાડી જવા જેવી બાબતનું મનદુઃખ રાખીને કેટલાક શખ્સોએ યુવકને નિશાન બનાવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.
રિમાન્ડ દરમિયાન કેસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા
ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીઓને મહેસાણાની નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ ગુનાના મૂળ સુધી પહોંચવા અને હુમલામાં વપરાયેલા હથિયારો તેમજ અન્ય પુરાવાઓ એકત્ર કરવા માટે આરોપીઓના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે પોલીસની દલીલો ગ્રાહ્ય રાખીને ત્રણેય આરોપીઓના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રિમાન્ડ દરમિયાન આ કેસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે.

