રાજ્યમાં સૌપ્રથમવાર સુરતની નવી સિવિલ ખાતે અત્યંત આધુનિક મશીન વડે હૃદયના બ્લોકેજ તેમજ માથાથી પગ સુધીની વિવિધ રક્તવાહિનીઓનું નિદાન અને સારવાર કરાશે

રાજ્યમાં સૌપ્રથમવાર સુરતની નવી સિવિલ ખાતે અત્યંત આધુનિક મશીન વડે હૃદયના બ્લોકેજ તેમજ માથાથી પગ સુધીની વિવિધ રક્તવાહિનીઓનું નિદાન અને સારવાર કરાશે


(જી.એન.એસ) તા. ૧૨

સુરત,

રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં સૌ પ્રથમવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અદ્યતન કેથેટરાઇઝેશન લેબોરેટરી(કેથ લેબ) સેવાની શરૂઆત કરવામાં આવી છે. નવી સિવિલના ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા શરૂ કરાયેલ કેથ લેબ હેઠળ માથાથી પગ સુધીની વિવિધ રક્તવાહિનીઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે. અંદાજીત રૂ.૧૨ કરોડના અદ્યતન બાયપ્લેન મશીન દ્વારા એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી, સ્ટેન્ટિંગ અને પેસમેકર ઇમ્પ્લાન્ટેશન કે જે માટે ખાનગી હોસ્પિટલોમાં રૂ.૫ થી ૫૦ હજારનો શુલ્ક લેવામાં આવે છે, તે સારવાર અહીં નિ:શુલ્ક આપવામાં આવશે.

         આ વિષે વધુ જણાવતાં સુરત નવી સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડૉ.ધારિત્રી પરમારે કહ્યું કે, રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ નવી સિવિલ ખાતે ન્યુરોલોજી અને યુરોલોજી વિભાગ કાર્યરત થઇ ચુક્યો છે, ત્યારે કેથ લેબ સાથે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની સેવા શરૂ કરાઈ છે. હાલ આ સેવાઓ સુરત નવી સિવિલ ખાતે અપોઇન્ટમેન્ટને આધારે કરવામાં આવશે.

          વધુમાં તેમણે કહ્યું કે, કેથ લેબ સેવાના પ્રથમ દિવસે જ સિવિલમાં માથા અને પગનાં દર્દીની સફળ એન્ડોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શનલ સારવાર કરાઈ છે. તેમજ ભવિષ્યમાં કાર્ડિયાક વિભાગની સંપૂર્ણ સેવાઓ ઉપલબ્ધ કરવાની દિશામાં કાર્ય થઈ રહ્યું છે. અદ્યતન કેથ લેબની સુવિધા થકી નવી સિવિલ દર્દીઓની સેવામાં વધુ એક કદમ આગળ વધી છે.

          આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલનાં ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, સુરત નવી સિવિલ માટે આ એક ગૌરવની ક્ષણ છે. રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ રોગોના નિદાન અને સારવાર માટે એક જ સ્થળે શ્રેષ્ઠ આધુનિક સુવિધાઓ સાથે સારવાર આપવાના અમારા પ્રયાસો છે. સાથે જ સુરત નવી સિવિલ ખાતે શરૂ થયેલા કેથ લેબના માધ્યમથી નર્સિંગના વિદ્યાર્થીઓને સુપર સ્પેશિયલિટીની વધુ સીટો પ્રાપ્ત કરવાની તક મળશે.

         નવી સિવિલ ખાતે કેથ લેબનો પ્રારંભ વેળાએ RMO ડૉ.કેતન નાયક, ઇન્ટરવેન્શન ન્યુરોલોજીસ્ટ ડૉ.પ્રયાગ મકવાણા, રેડિયોલોજી વિભાગના પ્રો.ડૉ.પૂર્વી દેસાઈ, ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ ડૉ. હિરેન રાઠોડ, નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ નીરજા પટેલ, વિવિધ ટેકનીશીયન સહિતની સમગ્ર ટીમ અને મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

કેથ લેબ દ્વારા દર્દીને શું લાભ?

‘કેથ લેબ’ હેઠળ અદ્યતન ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ સાધનોનો ઉપયોગ કરી એન્ડોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી(EVIR) પદ્ધતિથી વાઢ-કાપ વિના હૃદય કે શરીરની અંદરની રક્તવાહિનીઓ(ધમની/શિરા) અને વિવિધ રોગોની સારવાર કરવા નાના છિદ્ર દ્વારા કેથેટર દાખલ કરી સ્ટેન્ટિંગ, એમ્બોલાઇઝેશન કે થ્રોમ્બેક્ટોમી જેવી પ્રક્રિયાઓ કરવામાં આવે છે.

કયા પ્રકારની નસની સારવાર શક્ય?

નસ પાતળી થવી, નાસામાં ફુગ્ગો બનવો, નસનો ગુચ્છો બનવો, જેના કારણે દર્દીમાં બ્લિડિંગ વધારે થાય ત્યારે બિનજરૂરી રક્તપ્રવાહ અટકાવવાની સારવાર મળશે.

રક્તવાહિની સિવાય અન્ય શેમાં ઉપયોગી છે કેથ લેબ?

થાયરોઈડ, પ્રોસ્ટેટ જેવી કેન્સર સિવાય અમુક સાદી ગાંઠોની સારવાર તેમજ ચોક્કસ પ્રકારના કેન્સરના દર્દી કે જેમની સર્જરી શક્ય નથી તેવા કિસ્સામાં ગાંઠ નાની કરવા કે પછી કેમો એમ્બોલાઈઝેશન માટે ઉપયોગી છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *