ભારત અને અમેરિકાએ લાંબા સમયથી અટકેલી ટ્રેડ ડીલને આગળ ધપાવવાના સંકેતો વચ્ચે હવે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આગામી અઠવાડિયે અમેરિકન અધિકારીઓની ઉચ્ચસ્તરીય ટીમ ભારતની મુલાકાતે આવવાની છે, જે દ્વિપક્ષીય વેપાર સમજૂતીના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવા માટે ત્રણ દિવસીય ચર્ચા કરશે. આ બેઠક ૧૦ થી ૧૨ ડિસેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે અને ટીમનું નેતૃત્વ ડેપ્યુટી યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) રિક સ્વિટ્ઝર કરશે.
આ બેઠકમાં ટ્રેડ ડીલના બાકી રહેલા મુદ્દાઓ ઉપરાંત, અમેરિકા તરફથી ભારત પર લાગુ કરવામાં આવેલા ટેરિફમાં સંભવિત ઘટાડા પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે. ખાસ કરીને રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીના મુદ્દે અમેરિકા દ્વારા ભારત પર ઑગસ્ટમાં ૨૫% થી વધારીને ૫૦% સુધી કરવામાં આવેલ રેસીપ્રોકલ ટેરિફને કારણે ચર્ચા એક સમયે અટકી પડી હતી. જોકે સપ્ટેમ્બરમાં થયેલી અમેરિકા ટીમની મુલાકાત બાદ વાતચીત ફરી ગતિ પકડી છે. ૫૦% ટેરિફ લાગુ થયા પછી અમેરિકન અધિકારીઓનો આ બીજો ભારત પ્રવાસ હશે.
ટ્રેડ ડીલને લઈને છેલ્લા કેટલાક મહિનામાં બંને દેશો દ્વારા સકારાત્મક સંકેતો આપવામાં આવ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ જણાવ્યું હતું કે “જલ્દી જ એક સારી ડીલ લોક કરવામાં આવશે.” ભારત તરફથી પણ વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે ટ્રેડ ડીલને ઝડપથી આગળ ધપાવવાની આશા વ્યક્ત કરી છે.
બ્રોકરેજ ફર્મોનું માનવું છે કે બંને દેશો વચ્ચેનો તણાવ ઓછી શક્તિ ધરાવે છે અને ૫૦% ટેરિફ ઘટાડીને અંદાજે ૨૦% સુધી લાવવાની શક્યતા છે. જો ડીલ સપ્તાહોમાં પૂર્ણ થાય તો આ વર્ષ પૂરું થતા પહેલા ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં નવા દ્વાર ખુલી શકે છે.
હાલમાં ભારત-અમેરિકા દ્વિપક્ષीय વેપાર લગભગ ૧૯૧ અબજ ડોલર છે અને બંને દેશો તેને ૨૦૩૦ સુધીમાં ૫૦૦ અબજ ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય ધરાવે છે. ભારત માટે આ ડીલ ખાસ મહત્વપૂર્ણ છે, કારણ કે ૫૦% ટેરિફ લાગુ થયા બાદ અમેરિકામાં ભારતીય નિકાસોમાં ઑક્ટોબર મહિનામાં સતત બીજા મહિને ૮.૫૮% નો ઘટાડો નોંધાયો હતો. એક અનુકૂળ વેપાર કરારથી નિકાસ ક્ષેત્રને મોટા ફાયદા થવાની અપેક્ષા છે.

