એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી, સમીક્ષા બેઠક બાદ નિર્ણય
રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ નિર્ણાયક સાબિત થયો. પાક નુકસાની માટે 10 હજાર કરોડની રાજ્ય સરકારની જાહેરાત કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય કરીને એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી.
કમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે પાકને થયેલા ભારે નુકસાન બાદ સરકારે ખેડૂતોને રાહત આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે અતિ મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. જેમાં કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કૃષિમંત્રી અને નાણામંત્રી ચર્ચા કરી હતી. ત્યારબાદ CM ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી માહિતી આપીને પાક નુકસાની માટે 10 હજાર કરોડની રાજ્ય સરકારની જાહેરાત કરી છે.
‘ગત બે દાયકામાં ન થયો હોય એવો કમોસમી વરસાદ આ વર્ષે‘
સીએમ ભૂપેન્દ્ર પટેલે x પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.
10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત
કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.

