કાળા કાચ અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી
ડીસા શહેરના વ્યસ્ત ગણાતા જલારામ સર્કલ ખાતે ટ્રાફિક વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા સરાહનીય ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ કર્મચારી કુલદીપસિંહ ઝાલા દ્વારા ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવતા વાહન ચાલકોમાં જાગૃતિ સાથે ફફડાટ જોવા મળી રહ્યો છે.છેલ્લા કેટલાક સમયથી હાઈવે પર બ્લેક ફિલ્મ લગાવીને ફરતા ફોર-વ્હીલર વાહનોનું પ્રમાણ વધ્યું હતું. જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા આવા વાહનોને અટકાવી સ્થળ પર જ કાચ પરથી બ્લેક ફિલ્મ ઉતરાવવામાં આવી રહી છે.
આજની કાર્યવાહી દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક ફોર-વ્હીલર કારમાં આગળ અને પાછળના ભાગે નિયમ મુજબની નંબર પ્લેટને બદલે ધાર્મિક લખાણવાળી પ્લેટ લગાવેલી હતી અને કાચ પર બ્લેક ફિલ્મ હતી. પોલીસે તત્કાલ આ પ્લેટ દૂર કરાવી, બ્લેક ફિલ્મ ઉતરાવીને કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસા હાઈવે પર ટ્રાફિક પોલીસની આવી આક્રમક અને પ્રભાવશાળી કામગીરી પ્રથમ વખત જોવા મળી રહી છે. આ કડક અમલીકરણને કારણે સર્કલ પર ટ્રાફિક જામની સમસ્યામાં મોટો ઘટાડો થયો છે. શિસ્તબદ્ધ વાહન વ્યવહારને કારણે સામાન્ય પ્રજાને અવરજવરમાં સરળતા થઈ રહી છે શહેરના જાગૃત નાગરિકોમાં એવી ચર્ચા છે કે જો શહેરના દરેક સર્કલ પર આ જ પ્રકારે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવામાં આવે, તો ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે છે.

