૫.૧૪ લાખ નવા લાભાર્થીઓ આંગણવાડીની વિવિધ યોજનાથી લાભાન્વિત – Gujarati GNS News


(G.N.S) Dt. 6

ગાંધીનગર,

બાળકો-માતાઓને પોષણક્ષમ આહારની સાથે આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના હેતુથી ‘WCD કવરેજ ડ્રાઈવ’ યોજાઈ

૨.૫૫ લાખથી વધુ આદિવાસી વિસ્તારના તથા ૨.૦૭ લાખથી વધુ ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓ ઉમેરાયા

રાજ્યનો કોઈ પણ બાળક કે માતા પોષણ અને આરોગ્યની સેવાથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મનીષા વકીલના નેતૃત્વમાં રાજ્યની સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને ૦ થી ૬ વર્ષના બાળકોને પોષણક્ષમ આહાર અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના ઉમદા હેતુથી એક વિશેષ ‘WCD કવરેજ ડ્રાઈવ’ ચલાવવામાં આવી છે. જે અંતર્ગત ૫.૧૪ લાખ નવા લાભાર્થીઓને આંગણવાડીની યોજનાઓ સાથે જોડવામાં આવ્યા છે.

રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાના મુખ્યમંત્રીશ્રીના વિઝનને સાકાર કરવાના ભાગરૂપે આ સઘન ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ ઝુંબેશ નવેમ્બર ૨૦૨૫ થી જાન્યુઆરી ૨૦૨૬ સુધી ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન સઘન પ્રયાસો હાથ ધરીને રાજ્યભરમાં કુલ ૫.૧૪ લાખ નવા લાભાર્થીઓને આંગણવાડીની વિવિધ યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા માઈક્રો-પ્લાનિંગને કારણે નોંધપાત્ર પરિણામો મળ્યા છે. જેમાં આદિવાસી વિસ્તારના ૨.૫૫ લાખથી વધુ લાભાર્થીઓ, ગ્રામીણ વિસ્તારોના ૨.૦૭ લાખથી વધુ તથા શહેરી વિસ્તારના ૫૧,૦૦૦ જેટલા લાભાર્થીઓને આંગણવાડી સાથે જોડવામાં આવ્યા છે.

રાજ્યના છેવાડાના નાગરીકોને પણ પોષણલક્ષી યોજનાઓનો લાભ મળે તે હેતુથી આ ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં સૌથી વધુ સફળતા આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી છે. જે આ યોજનાની સફળતાની સાથે સરકારની અંતરિયાળ વિસ્તારો પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે. આ ટૂંકા ગાળામાં વિભાગ દ્વારા આ ડેટાની સચોટતા જાળવવા માટે TECHO સોફ્ટવેર અને ફિલ્ડ વેરિફિકેશનનો અસરકારક ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ ઝુંબેશની સફળતા પાછળ આંગણવાડી કાર્યકરો, તેડાગરો અને જિલ્લા વહીવટી તંત્રનો સિંહફાળો રહ્યો છે. ફિલ્ડ સ્તર પર કરવામાં આવેલી મહેનતને પરિણામે ડેટાની સચોટતામાં સુધારો થયો છે અને ખરા અર્થમાં જરૂરિયાતમંદ લાભાર્થી સુધી સેવાનો વ્યાપ વધ્યો છે. આ ડ્રાઈવ દ્વારા સાબિત થયું છે કે ટેકનોલોજી અને ફિલ્ડવર્કના સમન્વયથી સરકારી સેવાઓ દરેક ઘર સુધી પહોંચી છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *