દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી T20 વર્લ્ડ કપની 18મી મેચમાં ટીમ ઇન્ડિયાએ નામિબિયાને 93 રનથી હરાવ્યું. આ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો આ સતત બીજો વિજય હતો. ટીમ ઇન્ડિયાએ આ મેચમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. T20 વર્લ્ડ કપ મેચમાં સૌથી ઝડપી ટીમ સદી ફટકારવાનો રેકોર્ડ હવે ટીમ ઇન્ડિયાના નામે છે. નામિબિયા સામેની મેચમાં માત્ર 6.5 ઓવરમાં સદી ફટકારીને, ભારતે ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી ઝડપી ટીમ સદી (100 રન) ફટકારવાનો નવો રેકોર્ડ બનાવ્યો.
આ મેચમાં, ભારતીય ટીમે માત્ર 41 બોલમાં 100 રનનો આંકડો પાર કર્યો. આ સાથે ભારતે નેધરલેન્ડ્સનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. આ પહેલા, નેધરલેન્ડ્સે 2014 માં આયર્લેન્ડ સામે 42 બોલમાં એટલે કે 7 ઓવરમાં 100 રન બનાવ્યા હતા. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ બનાવેલો આ ઐતિહાસિક રેકોર્ડ મોટાભાગે વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ઈશાન કિશનને આભારી છે. આ મેચમાં નામિબિયાએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવાનું કહ્યું.
આ મેચમાં ઈશાન કિશન અને સંજુ સેમસન ટીમ ઈન્ડિયાને તોફાની શરૂઆત અપાવી હતી. આ મેચમાં સેમસન 8 બોલમાં માત્ર 22 રન બનાવીને આઉટ થયો હતો, જે દરમિયાન તેણે ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ઈશાન કિશનએ 24 બોલમાં 61 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. તેણે મેચમાં 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ઈશાન કિશન T20 વર્લ્ડ કપમાં પાવરપ્લેમાં અડધી સદી પૂરી કરનાર ત્રીજો ભારતીય બેટ્સમેન છે. તેની પહેલા રોહિત શર્મા અને કેએલ રાહુલ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
નામિબિયા સામેની આ મેચમાં ભારતે પાવરપ્લેમાં 86 રન બનાવ્યા હતા. આ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતનો શ્રેષ્ઠ પાવરપ્લે સ્કોર છે. આ T20 વર્લ્ડ કપમાં કોઈપણ ટીમ દ્વારા બનાવેલ સૌથી વધુ પાવરપ્લે સ્કોર પણ છે. નામિબિયા સામેની મેચમાં, ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 209 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ભારતીય ટીમના આ સ્કોરના જવાબમાં, નામિબિયાની ટીમ 18.2 ઓવરમાં 116 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના કારણે ટીમ ઈન્ડિયા 93 રનથી જીતી ગઈ હતી.

