ગરીબ થાપણદારોની મૂડી સામે સવાલો ઊભા થયા
બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલી ધી થરા વિભાગ નાગરિક શરાફી સહકારી મંડળીને લઈને લોકોમાં ચિંતા અને ચર્ચાઓનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતા આક્ષેપો મુજબ, મંડળીના એક કર્મચારી ગરીબ અને સામાન્ય લોકોના પૈસા લઈને ફરાર થઈ ગયાની વાત સામે આવી રહી છે. આ ઘટનાને પગલે પોતાની મહેનતની કમાણી મંડળીમાં જમા કરાવનારા થાપણદારોમાં ભારે ચિંતા ફેલાઈ છે. ગરીબ અને મધ્યમ વર્ગના અનેક પરિવારો પોતાની બચત સુરક્ષિત રહે અને જરૂરિયાતના સમયે કામ આવે તે આશાએ સહકારી મંડળીમાં નાણાં જમા કરાવતા હોય છે. પરંતુ જો આ પ્રકારના આક્ષેપો સાચા સાબિત થાય, તો આવા થાપણદારોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે.
ગરીબ થાપણદારોના પૈસા પરત મળશે કે નહીં ? હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે મંડળીમાં નાણાં જમા કરાવનારા લોકોની થાપણોનું શું થશે ? તેમજ આ સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે કે નહીં, તેવા પ્રશ્નો લોકોમાં ઊભા થયા છે.





