એલસીબી પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો
વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા અને રેન્જ આઈ.જી.ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગુનાખોરી ડામવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.જેના અનુસંધાને વાવ-થરાદ એલસીબી પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મળી છે. ભાભર વિસ્તારમાંથી એલ્યુમિનિયમના વીજ તારના 5 બંડલ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ ટીમ ભાભર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને શંકાસ્પદ હાલતમાં એક છકડો રિક્ષા જણાઈ આવતા તેને રોકીને તલાશી લેવામાં આવી હતી.
તપાસ દરમિયાન છકડામાંથી વીજળીના એલ્યુમિનિયમના તારના 5 બંડલ મળી આવ્યા હતા. પોલીસે વાહન ચાલક પાસે આ તાર અંગેના આધાર-પુરાવા તથા માલિકી હકના દસ્તાવેજો માંગ્યા હતા, પરંતુ ચાલક દ્વારા કોઈ સંતોષકારક જવાબ કે દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા ન હતા. જેને લઈને પોલીસે મુદ્દામાલ જપ્ત કરી શખ્સની અટકાયત કરી હતી.પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી કુલ રૂપિયા 2,11,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં છકડો રિક્ષા નં. જીજે-08-એવાય-9215, કિંમત રૂ. 2 લાખ, એલ્યુમિનિયમના વીજતારના 5 બંડલ કિંમત રૂ. 11,400 ઝડપાયેલ શખ્સ લાલાભાઈ ઉર્ફે પ્રકાશભાઈ સોમાભાઈ રાવળ (રહે મોરવાડા, તા. સુઈગામ હાલ રહે ભાભર, લુદરિયાવાસ)ને જેલ હવાલે કર્યો હતો.આ સમગ્ર સફળ કામગીરી પીઆઇ એ.પી. ચૌધરી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે.
ઝડપાયેલા શખ્સ અને જપ્ત કરાયેલ મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે ભાભર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ. વાવ-થરાદ જિલ્લામાં આ પ્રકારે અસામાજિક તત્વો અને ચોરીના બનાવો વિરુદ્ધ પોલીસની સતત કડક કાર્યવાહીથી અપરાધીઓમાં ફફડાટ ફેલાયો છે.





