વિદેશી દારૂની બોટલો અને બિયરના ૬૮૬ ટીન સહિત રૂ. ૧.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત
વાવ-થરાદ જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાભર ટાઉનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બિયરના ૬૮૬ ટીન સહિત કુલ રૂ. ૧,૬૦,૦૬૦ની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા વાવ-થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને વાવ-થરાદ એલસીબીના પી.આઈ. એ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસની ટીમ ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ભાભરના શ્રીનાથનગર ભાગ-૧માં રહેતા મિતેશ ઉર્ફે પપ્પુ ભરતભાઈ જયસ્વાલ (કલાલ) ના રહેણાંક મકાનની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં જમીનમાં ખાડો બનાવી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની માહિતીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. એલસીબી પોલીસ ટીમે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડયો હતો સ્થળ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો નંગ ૬૮૬ વિવિધ બ્રાન્ડની બોટલો મળી આવ્યો હતો. પોલીસે કુલ કિ.રૂ. ૧,૬૦,૦૯૦/નો મુદ્દામાલ કબજે કરી આરોપી મિતેષ જયસ્વાલ સામે વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ભાભર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





