વાવ-થરાદ વિસ્તારમાં દિન-પ્રતિદિન વધતી જતા વાહનવ્યવહાર અને ટ્રાફિકની જટિલ બનતી સમસ્યાના કાયમી તથા સુચારો નિયંત્રણ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂરિયાત ઉભી થઈ છે. થરાદ શહેરના મુખ્ય હાર્દ સમાન ત્રણ રસ્તા વિસ્તાર ખાતે ટ્રાફિકનું સુગમ સંચાલન થાય તેમજ શહેરના સૌંદર્યમાં વધારો થાય તે માટે અહીં થિરપુરની સ્થાપના કરનાર થિરપાલ ધરુંનું સ્ટેચ્યુ સ્થાપિત કરી આકર્ષક સર્કલ બનાવવામાં આવે તેવી અગત્યની માંગ સ્થાનિક નાગરિકો અને વેપારીઓ દ્વારા કરવામાં આવી છે.
થરાદનું ત્રણ રસ્તા જંકશન શહેરનું અત્યંત વ્યસ્ત કેન્દ્ર છે, જ્યાંથી રોજેરોજ હજારોની સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થાય છે. સતત અવરજવરના કારણે આ સ્થળે અવારનવાર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાય છે અને અકસ્માતનો નિરંતર ભય રહે છે. જો આ વિસ્તારમાં એક સુવ્યવસ્થિત અને આકર્ષક સર્કલ (ચોક) તૈયાર કરવામાં આવે, તો ટ્રાફિકના વહન અને નિયંત્રણમાં મોટો સુધારો આવી શકે તેમ છે.
આ સર્કલની સાથે થરાદ (પ્રાચીન થિરપુર) ના સ્થાપક થિરપાલ ધરુંની પ્રતીમા સ્થાપિત કરવામાં આવે તો શહેરની ઐતિહાસિક ઓળખને નવી ચમક મળશે અને યુવા પેઢી પોતાના ગૌરવશાળી વારસાથી માહિતગાર થશે. સ્થાનિક લોકો અને તંત્ર આ દિશામાં સત્વરે યોગ્ય નિર્ણય લઈ સર્કલનું નિર્માણ હાથ ધરે એવી પ્રબળ ઈચ્છા વ્યક્ત કરવામાં આવી રહી છે.





