પાટણ આરટીઓ કચેરી ખાતે અવાર નવાર ખોરવાતી ઓનલાઇન સિસ્ટમ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીના ધાંધિયા વચ્ચે ફરી એકવાર ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી.
કચેરીમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટેનો ઓટોમેટેડ ટેસ્ટ આપવા આવેલા 100 વધુ અરજદારોને સર્વર ડાઉન હોવાના કારણે ટેસ્ટ આપ્યા વિના જ પરત ફરવાની ફરજ પડતાં અરજદારોનો પિત્તો ગયો હતો. રોષે ભરાયેલા લોકોએ કચેરી પરિસરમાં જ એકઠા થઈને RTO ઇન્સ્પેક્ટરનો ઘેરાવ કરી ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.જેને પગલે દોડધામ મચી ગઈ હતી. અરજદારોએ અધિકારીઓ સમક્ષ બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ પોતાના રોજગાર-ધંધા અને મજૂરી બગાડીને, તેમજ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો માંથી એપોઇન્ટમેન્ટ લઈને RTO કચેરીએ પહોંચે છે. પરંતુ અહીં આવ્યા પછી દર વખતે એક જ તૈયાર જવાબ મળે છે કે "નેટકનેક્ટિવિટી નથી".લોકોએ તીખા સવાલો ઉઠાવ્યા હતા કે, લાઇસન્સ ન હોવાને કારણે જો રસ્તામાં અમને ટ્રાફિક પોલીસ પકડશે, તો અમે શું જવાબ આપીશું? શું પોલીસ તંત્ર RTOની આ ખામીને સ્વીકારીને અમને દંડ માંથી મુક્તિ આપશે? તેવા પ્રશ્નાર્થ કરી કચેરીમાં ભારે હોબાળો કરતા થોડા સમય માટે કચેરીમાં માહોલ ગરમાયો હતો.કચેરી દ્વારા ટેકનિકલ પ્રશ્નો હોવાને લઈ સમજાવટ કરતા અંતે મામલો થાળે પડ્યો હતો.આગામી સમયમાં આ પ્રશ્નોનો હાલ થાય તેવી માંગ ઉઠી છે. અરજદારોએ કચેરી પરિસરમાં જ એકઠા થઈને ઘેરાવ કર્યો હતો.
ડિજિટલ સિસ્ટમથી કંટાળેલા નાગરિકોએ માગ કરી હતી કે, જો ઓનલાઇન નેટવર્ક કનેક્ટિવિટી લાંબા સમયથી ખોરવાઈ રહેલ હોય વૈકલ્પિક તાત્કાલિક મેન્યુઅલ પદ્ધતિથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનું શરૂ કરવું જોઈએ. જેથી લોકોના સમય અને નાણાંનો વેડફાટ થશે નહી.આ મામલે RTO તંત્ર વહેલી તકે નિર્ણય લેવો જોઈએ તેવી અરજદારો એ માંગણી કરી હતી.





