વેપારીના હાથ-પગમાં ફ્રેક્ચર, 50 લાખ ભૂલી જવા અને સામેથી રૂ.1.50 કરોડ આપવાની ખંડણી માંગી
શંખેશ્વરના ટુંવડ ગામની સીમમાં જમીનના સોદાના બાકી નીકળતા રૂ.50 લાખની લેતીદેતી મામલે અમદાવાદના એક વેપારી પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. જન્મદિવસની ઉજવણી અને જમવાના બહાને વેપારીને ફાર્મ હાઉસ પર બોલાવી ચાર શખ્સોએ લાકડી, ધોકા અને પટ્ટા વડે માર માર્યો હતો. એટલું જ નહીં, બાકી નીકળતા રૂ.50 લાખ ભૂલી જવા અને સામેથી રૂ.1.50 કરોડ આપવાની માંગણી કરી હતી. નાણાં નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે શંખેશ્વર પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના અંબા ટાઉનશીપ ખાતે રહેતા અને મૂળ બેચરાજીના 49 વર્ષીય વેપારી કવનકુમાર મનુભાઈ પટેલે દસાડા-પાટડી તાલુકાના મેરા ગામે આવેલી પોતાની 20 વીઘા ખેતીલાયક જમીનનો સોદો ગત એપ્રિલ મહિનામાં કર્યો હતો. ટુંવડના શંકર શીવાભાઈ ભરવાડ અને અમદાવાદના ગોપી પટેલ મારફતે થયેલા આ સોદામાં જમીનનો દસ્તાવેજ કરી આપ્યા બાદ વેપારીને વેચાણ પેટે રૂ.50 લાખ લેવાના બાકી નીકળતા હતા. આ રકમના બદલામાં શંકર ભરવાડે તેના ભાગીદાર ગોપી પટેલના નામનો ચેક આપ્યો હતો.
જોકે, નિયત સમય મર્યાદામાં નાણાં નહીં મળતાં વેપારીએ ચેક અંગે કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.કોર્ટની કાર્યવાહી અંગે જાણ થતાં 23 નવેમ્બર,2026ના રોજ બપોરે શંકર ભરવાડે વેપારી કવનકુમારને ફોન કર્યો હતો. પોતાનો જન્મદિવસ હોવાનું જણાવી ટુંવડના ફાર્મ હાઉસ પર બોલાવ્યા હતા.અને બાકી નીકળતા રૂ.50 લાખ ચૂકવી આપવાની ખાતરી આપીને અગાઉ આપેલો ચેક સાથે લાવવા પણ જણાવ્યું હતું. જેથી વેપારી સાંજે 6:30 વાગ્યે પોતાના ડ્રાઈવર નેનારામ અને મિત્ર સંદિપકુમાર પટેલ સાથે કારમાં ટુંવડ પહોંચ્યા હતા. ત્યાંથી શંકર ભરવાડ તેમને જમવાના બહાને રોડથી અંદર આવેલા અન્ય એક ફાર્મ હાઉસ પર લઈ ગયો હતો. જ્યાં તેઓ રાત્રે આશરે 8:30 વાગ્યે પહોંચ્યા હતા.ફાર્મ હાઉસ પર પહોંચ્યા બાદ શંકર ભરવાડે વેપારી પાસે ચેક પરત માંગ્યો હતો. જોકે, વેપારીએ બાકી નીકળતા રૂ.50 લાખ ચૂકવ્યા બાદ જ ચેક પરત આપવાનું કહેતાં મામલો બિચક્યો હતો. આ દરમિયાન રાધનપુરના મહેશ ભરવાડે અચાનક લાકડી વડે વેપારીના બરડાના ભાગે માર મારવાનું શરૂ કર્યું હતું. વેપારી નીચે પડી જતાં શંકર ભરવાડે લાકડી વડે તેમના જમણા પગ પર હુમલો કર્યો હતો. જ્યારે ટુંવડના જયેશ ઓડે ધોકા વડે આડેધડ માર મારતાં વેપારીના જમણા હાથમાં ગંભીર ઈજા થઈ હતી. આ ઉપરાંત એક અજાણ્યા શખ્સે પટ્ટા વડે વેપારીના બરડાના ભાગે માર માર્યો હતો.
હુમલા દરમિયાન શંકર ભરવાડે વેપારીને બાકી નીકળતા રૂ.50 લાખ ભૂલી જવા અને સામેથી બીજા રૂ.1.50 કરોડ આપવા જણાવ્યું હતું. જો નાણાં નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમયે સ્થળ પર હાજર સબીર નામના વ્યક્તિએ વચ્ચે પડી વેપારીને વધુ મારમાંથી બચાવ્યા હતા. અને સારવાર માટે બેચરાજીની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હોસ્પિટલમાં તબીબી તપાસ દરમિયાન વેપારીના જમણા પગ અને બંને હાથની આંગળીઓમાં ફ્રેક્ચર હોવાનું નિદાન થયું હતુ. સમગ્ર બનાવ અંગે વેપારી કવનકુમાર પટેલે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં જયેશ ઓડ સહિત ચાર શખ્સો સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની વિવિધ કલમો તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.





