પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાડા ગામે માંસા રોડ પર આવેલા ખેતરના બોરની ઓરડીમાંથી 1.70 લાખ રૂપિયાની સોનાની ચેઈન અને દસ્તાવેજો ભરેલી થેલી ચોરી કરતી એક અજાણી મહિલા સીસીટીવીમાં કેદ થઈ છે. હારીજ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.દુનાવાડામાં રહેતા 38 વર્ષીય જગદિશ પરાગભાઈ ચૌધરી ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. માંસા રોડ પર તેમના બોરની ઓરડી આવેલી છે. 23 નવેમ્બર 2026ની રાત્રે 10 વાગ્યે તેઓ બોર પર સૂવા ગયા ત્યારે ઓરડીમાં સામાન વેરવિખેર હતો.તપાસ કરતાં લાકડાના કબાટનું તાળું તૂટેલું જણાયું હતું. કબાટમાંથી આશરે 20 ગ્રામની સોનાની ચેઈન અને બેંકના તથા અન્ય જરૂરી કાગળો ભરેલી થેલી ગાયબ હતી. ચેઈનની કિંમત 1.70 લાખ રૂપિયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બોર પરના સીસીટીવી ફૂટેજમાં 23 નવેમ્બરે બપોરે 1થી 1:30 વાગ્યા દરમિયાન એક અજાણી મહિલા ત્યાં આવી હતી. તે સામાન ફંફોસતી અને ઓરડીનું તાળું ખોલીને અંદર જતી દેખાય છે. ચોરી સમયે જગદિશ ચૌધરીનો પરિવાર બહારગામ ગયો હતો. પરત આવ્યા બાદ તેમણે હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.હારીજ પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.





