3,807 બોટલ દારૂ-બિયર સાથે રાજસ્થાનના શખસને દબોચ્યો
ઓવરટેક ન કરી શકતા ભાગ્યોને મોબાઈલ પડતાની સાથે ફસડાયો
રાધનપુર-સમી હાઈવે પર સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) ની ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. બાસ્પા ગામની સીમમાંથી 8.11 લાખની કિંમતની દારૂ અને બિયરની 3,807 બોટલો ભરેલી મહિન્દ્રા બોલેરો કાર સાથે રાજસ્થાનના એક શખસને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કાર સહિત કુલ 18.31 લાખનો મુદ્દામાલ કબજે કરી 5 શખસો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
સ્ટેટ મોનિટરીંગ યુનિટ (ગાંધીનગર)ની ટીમ પાટણ જિલ્લામાં પ્રોહીબીશન અંગે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રાધનપુર ખાતે સમી ચોકડી પાસે ખાનગી રાહે બાતમી મળી હતી કે GJ-08-FA-4227 નંબરની સફેદ મહિન્દ્રા બોલેરો કારમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરીને સમી તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે ટીમે ખાનગી કારમાં શંકાસ્પદ બોલેરોનો પીછો શરૂ કર્યો હતો.
ગોચનાદ ગામની સીમમાં બનાસ નદીના પુલ પહેલાં પોલીસે આડશ ઉભી કરી કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે લાકડી વડે કારના કાચ પર ફટકા મારી રોકવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં ચાલક તૂટેલા કાચ સાથે કારને ગફલતભરી અને સર્પાકારકાચ રીતે હંકારીને પરત રાધનપુર તરફ ભાગ્યો હતો. પોલીસે પીછો ચાલુ રાખતા બાસ્પા ગામની હદમાં આવેલા HP પેટ્રોલ પંપ પાસે આગળ જતાં વાહનને ઓવરટેક ન કરી શકતા ચાલકે કાર સાઈડમાં ઉભી રાખી દીધી હતી. અને નીચે ઉતરીને ભાગવા લાગ્યો હતો. ભાગતી વખતે ખિસ્સામાંથી મોબાઈલ નીચે પડી જતા તે રોડ પર ફસડાઈ પડ્યો હતો, જેથી પોલીસે તેને દબોચી લીધો હતો. પૂછપરછમાં તે રાજસ્થાનના બાલોતરા જિલ્લાના ગુડામાલાણી તાલુકાના મોખાવા ગામનો 26 વર્ષીય સુરેશકુમાર રામારામ ગોદારા(બિશ્નોઈ) હોવાનું બહાર આવ્યું હતું. સમી પોલીસે સુરેશકુમાર, જાટ અને દારૂ મંગાવનાર અજાણ્યા શખસ સહિત 5 આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ અને BNS ની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.





