વેપારી દ્રારા અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી
રાધનપુર શહેરમાં તસ્કરોનો આતંક યથાવત રહ્યો હોય તેમ વધુ એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. રાધનપુર શહેરના સિંગલિયા ભઠ્ઠા સામે આવેલી પીઠેશ્વરી જ્વેલર્સ નામની દુકાનને નિશાન બનાવી તસ્કરો અંદાજે 70 થી 80 લાખની કિંમતના સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા છે.
દુકાનના માલિક મહેશભાઈના જણાવ્યા અનુસાર, સિંગલિયા ભઠ્ઠા સામે આવેલી તેમની પીઠેશ્વરી જ્વેલર્સની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ દુકાનમાંથી તમામ સોના-ચાંદીના દાગીના સાફ કરી દીધા છે. અને જાણે આખી દુકાન ખાલી કરી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. ચોરી થયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત 70 થી 80 લાખ જેટલી આંકવામાં આવી રહી છે. આટલી મોટી રકમની ચોરી થતા વેપારી આલમમાં ફફડાટ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મામલે વેપારી દ્રારા અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ ના ચક્રો ગતિશીલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.





