સેવન માટે ઓનલાઈન અને રોકડેથી ડ્રગ્સ ખરીદ્યું હોવાની કબૂલાત
પાટણ શહેરમાં એમડી ડ્રગ્સના ખરીદ-વેચાણ અને સેવનના કેસમાં પોલીસ તપાસ વધુ તેજ બની છે. આ પ્રકરણમાં પાટણ એ ડિવિઝન પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓ પોલીસની પકડમાં આવ્યા છે. પકડાયેલા બંને આરોપીઓએ મુખ્ય આરોપી ફિરોઝાબાનુ અને તેના પતિ ઈરફાન પાસેથી પોતાના સેવન માટે એમડી ડ્રગ્સ ખરીદ્યું હોવાનું પોલીસ પૂછપરછમાં જણાવ્યું છે.
મળતી માહિતી મુજબ, ગત 7 સપ્ટેમ્બર, 2026ના રોજ પાટણના રાજકાવાડો, નિશાળની પોળ વિસ્તારમાં રહેતી 34 વર્ષીય ફિરોઝાબાનુ ઈરફાન અલી ઉર્ફે ધોની ઈમ્તિયાઝ સૈયદને પોલીસે રૂ. 2,34,900ની કિંમતના 78.300 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી હતી. ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન 19 નવેમ્બર, 2026ના રોજ પોલીસે આકાશ ઉર્ફે જીમી પ્રહલાદભાઈ સેવંતીલાલ દરજી અને અભય ઉર્ફે પ્રણવ પ્રવીણભાઈ ડાભીની ધરપકડ કરી હતી.
પોલીસ પૂછપરછમાં આકાશ ઉર્ફે જીમીએ પોતાના બેંક ખાતામાંથી રૂ. 8,000 ઓનલાઈન ફિરોઝાબાનુના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનું જણાવ્યું હતું. જ્યારે અભય ઉર્ફે પ્રણવે ફિરોઝાબાનુના ઘરે જઈને રૂ. 6,000 રોકડા ચૂકવી 3 ગ્રામ MD ડ્રગ્સ ખરીદ્યું હોવાનું જણાવ્યું હતું. બંનેએ ડ્રગ્સનું વેચાણ નહીં પરંતુ પોતાના સેવન માટે ખરીદી કરી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવવા કોર્ટમાં અરજી કરી હતી. જોકે, પાટણના મેજિસ્ટ્રેટ એન.વી. પઠાણે બંને આરોપીઓની રિમાન્ડ અરજી નામંજૂર કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે ડ્રગ્સનો મામલો ગંભીર છે અને તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે. જોકે, આરોપીઓની ભૂમિકા, મુદ્દામાલની રિકવરી અને પોલીસ તપાસમાં તેમની હાજરી જરૂરી હોવાના પૂરતા કારણો રજૂ ન થતાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા નહોતા.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસે તબક્કાવાર કાર્યવાહી કરીને ફિરોઝાબાનુ, હરેશ પ્રજાપતિ, ભરત પારંગી, કુલદીપ રાજપુત, ઈરફાન સૈયદ, સેધાભાઈ ભરવાડ, મહંમદ રફીક સિંધી, આકાશ ઉર્ફે જીમી અને અભય ઉર્ફે પ્રણવ સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે.પાટણમાં સામે આવેલા આ એમડી ડ્રગ્સ પ્રકરણમાં વધુ બે આરોપીઓની ધરપકડ બાદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.





