યુનિવર્સિટી દ્વારા પરિક્ષા માટેની ઉત્તરવહીઓ હવે સરકારી પ્રેસમાંથી જ ખરીદાશે
પાટણ હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિવર્સિટી ખાતે સોમવારે કુલપતિ ડૉ. કે.સી. પોરિયાની અધ્યક્ષતામાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BOM) ની બેઠક યોજાઈ હતી.યુનિવર્સિટી વહીવટમાં વ્યાપક સુધારા અને પારદર્શિતા લાવવાના ઉદ્દેશ સાથે આ બેઠકમાં મુખ્યત્વે 3 સંવેદનશીલ મુદ્દાઓ પર ગહન ચર્ચા-વિચારણા બાદ નિર્ણય લેવામાં આવ્યા હતા.
જેમાં યુનિવર્સિટી દ્વારા હવે બાંધકામોનાકામો સરકારી માર્ગ અને મકાન વિભાગને આપવા માટે નિર્ણય લેવાયો છે. ઉપરાંત હવે ઉત્તરવહીઓ સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ ખરીદશે તેમ જ ઓછી સંખ્યા ધરાવતા ઉત્તર ગુજરાતના 136 પરીક્ષા કેન્દ્રોની માહિતીઓ મંગાવી કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે.બેઠકની શરૂઆતમાં શારીરિક નિયામક ડૉ. ચિરાગ પટેલ, પ્રોફેસર અશ્વિન પટેલ અને મુકેશ પટેલ સહિત બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નવ નિયુક્ત થયેલા છ નવા સભ્યોનું પ્રથમ બોર્ડમાં સન્માન કરી
ને સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ શરૂ થયેલી કાર્યવાહીમાં કર્મચારીઓ અને શૈક્ષણિક કાર્યક્રમોને લગતા અનેક નિર્ણયો લેવાયા હતા. જેમાં વર્ષોથી પેન્ડિંગ રહેલી પ્રોફેસરોના સીએએસ (CAS) ની પ્રક્રિયાને આખરે મંજૂરી આપીને પ્રમોશન આપવામાં આવ્યા હતા.તાજેતરમાં નવી ભરતી કરાયેલા ટેકનિકલ આસિસ્ટન્ટ, જુનિયર સ્ટેનોગ્રાફર,અધિક મદદનીશ ઇજનેર અને ક્લાર્ક કમ ટાઈપિસ્ટ સહિતના છ કર્મચારીઓને વિધિવત નિમણૂક પત્રો સોંપાયા હતા. આ ઉપરાંત મહેકમ મુજબ મંજૂર થયેલી 5 શૈક્ષણિક અને 8 બિન-શૈક્ષણિક મળીને કુલ 13 નવી જગ્યાઓના રોસ્ટર રજિસ્ટર તૈયાર કરી આગામી સમયમાં નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવા લીલી ઝંડી આપવામાં આવી હતી.
યુનિવર્સિટીમાં શિસ્ત અને કડક વહીવટનો સંદેશ આપતા ગત વર્ષે પરીક્ષા દરમિયાન ચોરી કરતા ઝડપાયેલા 600થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા કમિટીએ આપેલી સજા યથાવત રાખવામાં આવી છે. અને એકપણ વિદ્યાર્થીની સજા માફ કરવામાં આવી નથી.બોર્ડ ઓફ મેનેજમેન્ટના આ તમામ નિર્ણયોથી વહીવટમાં નવી પારદર્શિતા આવશે તેવો સભ્યોએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.બેઠકમાં રજિસ્ટ્રાર ડૉ.રોહિત દેસાઈ, સભ્ય દિલીપભાઈ ચૌધરી ( મહેસાણા), ડૉ.કે.કે.પટેલ સહિતના સભ્યો હાજર રહ્યા હતા.





