GCAS પોર્ટલ ઉપર પ્રવેશ ફોર્મમાં તમામ ડોક્યુમેન્ટ અપલોડ નહી કરાઈ તો ફોર્મ નહીં ભરાય
પાટણ યુનિવર્સિટી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2026-27ની પ્રવેશ પ્રક્રિયાને લઈ GCAS પોર્ટલમાં પ્રવેશ પ્રક્રિયામાં ફેરફાર આવ્યા છે. જેમાં પ્રવેશ ફોર્મ ભરવાથી લઇ મેરીટ યાદી બનાવવા અંગે માહિતગાર કરવાની સાથે પ્રેઝન્ટેશન સાથે ઉત્તર ગુજરાતની 400થી વધુ સંલગ્ન કોલેજોના પ્રતિનિધિઓને બે દિવસ તાલીમ આપવામાં આવી હતી. નવા વર્ષે પ્રવેશ પ્રક્રિયામા GCAS પોર્ટલ ઉપર ફોર્મમાં વિદ્યાર્થીઓને ફરજીયાત તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે તો જ ભરાશે નહીં તો આગળ પ્રક્રિયા થશે નહીં.ગતવર્ષ માત્ર વિગતો આધારિત ડોક્યુમેન્ટ વગર પણ ફોર્મ ભરી શકાતું હતું.બાદમાં અપલોડ થઈ શકતા હતા.યુનિવર્સિટી ખાતે 15 અને 16 એપ્રિલ એમ બે દિવસ ચાલેલા આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લાવાર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે મહેસાણા, વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાની કોલેજોના પ્રતિનિધિઓ જોડાયા હતા.જ્યારે બીજા દિવસે પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની કોલેજોના GCAS ઓપરેટર્સ અને વહીવટી સ્ટાફ હાજર રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન GCAS-KCG ની ટેકનિકલ અને વહીવટી ટીમે હાજર રહીને કોલેજોને પ્લેટફોર્મની ઝીણવટભરી માહિતી પુરી પાડી હતી.
આ વર્ષે ફોર્મની વેરિફિકેશન પ્રક્રિયા બંધ આ વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં સૌથી મોટો ફેરફાર ડોક્યુમેન્ટ વેરિફિકેશનને લઈને કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે હવેથી GCAS પોર્ટલમાં થતી વેરિફિકેશનની જૂની પ્રક્રિયા બંધ કરવામાં આવી છે.તેના બદલે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરતી વખતે જ પોર્ટલ પર તમામ જરૂરી દસ્તાવેજો ફરજિયાતપણે અપલોડ કરવાના રહેશે. પ્રવેશ પૂર્વે કોલેજો દ્વારા જ ડોક્યુમેન્ટની ચકાસણી કરવાની રહેશે.આ ફેરફારથી પ્રવેશ પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને વિદ્યાર્થીઓને કોલેજ સુધી ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.ગતવર્ષ કોલેજોને ફોર્મ દીઠ વેરિફિકેશન સહિતની પ્રક્રિયાઓ માટે કુલ 60 રૂપિયા મળતા હતા.આ વર્ષે વેરિફિકેશનની પ્રક્રિયા બંધ કરતા રૂ. 20 ના ઘટાડા સાથે વળતરમાં 40 રૂપિયા કરવામાં આવ્યો છે.જોકે, વેદ્યાર્થીઓ માટે કોઈ ફેરફાર કરાયો નથી. પોર્ટલ પર નોંધણી માટે વિદ્યાર્થીઓએ રૂ. 300ની ફોર્મ ફી યથાવત રીતે ચૂકવવાની રહેશે.





