બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
લગ્નસરાની સિઝન : કમુરતા પૂર્ણ થતાં શુભ અને માંગલિક કાર્યોનો પ્રારંભ થયો

ડીસા સહિત જિલ્લામાં લગ્નસરાની સિઝન શરૂ થઈ બજારો પણ ખરીદી શરું થતાં ભીડ
ઉતરાયણના પાવન પર્વ સાથે ધનરાક કમુરતા પૂર્ણ થતાં હિન્દુ શાસ્ત્ર મુજબ શુભ અને માંગલિક કાર્યોનો પ્રારંભ થયો છે. તેની સાથે જ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં લગ્નસરાની સિઝન શરૂ થઈ ગઈ છે. કડકડતી ઠંડી વચ્ચે લગ્નની મોસમ ખીલતાં સમગ્ર જિલ્લામાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી બાદ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં અનેક શુભ મુહૂર્ત હોવાના કારણે લગ્નોત્સવોમાં વધારો થયો છે.
લગ્નસરાની શરૂઆત થતાં જ બજારોમાં ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે. કપડાં, ઘરેણાં, ફર્નિચર, કંકોત્રી સહિતની દુકાનોમાં ખાસ ભીડ જોવા મળી રહી છે. તેની સીધી અસર પાર્ટીપ્લોટ, ડેકોરેશન, કેટરિંગ, બેન્ડવાજા, ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી જેવા વ્યવસાય પર પડી છે, જ્યાં ફરી એકવાર રોજગાર અને ધંધામાં તેજી આવી છે.
જો કે ચાલુ સિઝનમાં મોંઘવારીનો પણ સ્પષ્ટ અસર જોવા મળી રહ્યો છે. લગ્નસરા સંબંધિત વસ્તુઓ અને સેવાઓમાં અંદાજે 20 થી 30 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો છે. તેમ છતાં શુભ મુહૂર્તોની ભરમાર અને પરંપરાગત માન્યતાઓને કારણે લોકો ઉત્સાહપૂર્વક લગ્નોત્સવોનું આયોજન કરી રહ્યા છે. આવનારા ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ લગ્નના મુહૂર્ત હોવાથી લગ્નસરાની સિઝન વધુ જોર પકડશે તેવી શક્યતા છે.
આ વર્ષ લગ્નોના કુલ અનેક શુભ મુહૂર્ત
વર્ષ 2026 હિન્દુ પંચાંગ અનુસાર લગ્ન માટે શુભ માનવામાં આવે છે. આ વર્ષે અનેક લગ્નના શુભ મુહૂર્તો રહેલા છે. ઉતરાયણ બાદ લગ્નોત્સવની સિઝન શરૂ થઈ ગઈ છે. જાન્યુઆરી બાદ ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ એટલે કે 12 શુભ મુહૂર્તો ઉપલબ્ધ છે. ત્યારબાદ માર્ચ, મે, જૂન, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પણ લગ્નના શુભ દિવસો છે. મુહૂર્તોની સંખ્યાને કારણે આ વર્ષે લગ્નસરા લાંબા સમય સુધી ચાલશે અને આયોજનમાં પણ વધારો જોવા મળશે.
23 જાન્યુઆરીએ વસંત પંચમીનું વણજોયુ મુહૂર્ત
હિન્દુ શાસ્ત્ર મુજબ વર્ષમાં કેટલાક દિવસો વણજોયા મુહૂર્ત તરીકે માનવામાં આવે છે, જેમાં અલગથી મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી. મહા સુદ પંચમી એટલે વસંત પંચમી એવો જ એક દિવસ છે. આ વર્ષે 23 જાન્યુઆરીએ વસંત પંચમી આવી રહી છે, જે શુભ અને માંગલિક કાર્યો માટે વિશેષ મહત્વ ધરાવે છે. લગ્ન, વિવાહ સંબંધી કાર્ય, ગૃહપ્રવેશ તથા અન્ય શુભ કાર્યો માટે આ દિવસને અતિ શુભ માનવામાં આવે છે.
અનેક સમાજો એ સમુહ લગ્નોત્સવનું પણ આયોજન
વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખી અનેક સમાજોએ ચાલુ લગ્નસરાની સિઝનમાં સમુહ લગ્નોત્સવનું આયોજન કર્યું છે. સમય સાથે તાલ મિલાવી સમાજ દ્વારા આયોજિત આ સમુહ લગ્નોત્સવો ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. ખર્ચમાં ઘટાડો થતો હોવાથી અનેક પરિવારોને રાહત મળી રહી છે. સામૂહિક લગ્ન દ્વારા સમાજમાં એકતા, સહકાર અને સામાજિક સમરસતાનો સંદેશ પણ મજબૂત રીતે પ્રસરી રહ્યો છે.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Deesa#shopping#Hindu scriptures#Markets#Wedding Season#Kamurta#Dhanrak Kamurta#wedding festivals
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના જેનાલ ગામમાં રેલવે દ્વારા રસ્તો બંધ કરાતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ
3 કલાક પહેલા
બનાસકાંઠાચાચર ચોકમાં ખેલૈયાઓ ઝૂમ્યા: અંબાજી ખાતે પ્રથમ નોરતે દર્શનાર્થીઓનો મહાસાગર
3 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજીની રાજસ્થાની ચણિયાચોળીની દેશ-વિદેશમાં ધૂમ, 2026ની નવી ડિઝાઇન્સ આકર્ષણનું કેન્દ્ર
3 દિવસ પહેલા
બનાસકાંઠાવડગામમાં સરફરાજ ભંગારીના ગોડાઉનમાં ભીષણ આગથી અફરાતફરી
3 દિવસ પહેલા
