27 નવેમ્બરે ડીસાના વિવિધ એસોસિએશનો દ્વારા ધંધા-રોજગાર બંધનું એલાન
વેપારીઓ અને ગૌભક્તો ગાંધીનગર તરફ કૂચ કરશે
ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ સાથે ચાલી રહેલા ગૌ સન્માન આહ્વાન અભિયાનને હવે ડીસા શહેરમાં પણ વ્યાપક સમર્થન મળી રહ્યું છે. આ અભિયાનને સમર્થન આપવા શહેરનાં વિવિધ વેપારી એસોસિએશનો અને સમાજો આગળ આવ્યાં છે. 27 નવેમ્બરના રોજ યોજાનારા ગૌ સન્માન આહવાન અભિયાનને લઈને વેપારી વર્ગમાં પણ તૈયારીઓ શરૂ થઈ છે.
ડીસા શહેરમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત વિવિધ વેપારી સંગઠનો દ્વારા પોતાના ધંધા-રોજગાર બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન, વી.જે. પટેલ શાકમાર્કેટ એસોસિએશન, નાઈ સમાજ સલૂન એસોસિએશન, એન.આર. માર્કેટ વેપારી સંગઠન, કટલરી એસોસિએશન, પ્લાસ્ટિક એસોસિએશન તેમજ ખાડિયા માર્કેટ સહિતના સંગઠનો અને સમાજોએ અભિયાનને સમર્થન જાહેર કર્યું છે.
ડીસા શહેરના વિવિધ એસોસિએશનો સાથે જોડાયેલા વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ રાખશે. ત્યારબાદ વેપારીઓ, સંગઠનોના સભ્યો અને ગૌભક્તો ડીસાથી ગાંધીનગર તરફ કૂચ કરશે.આ કૂચના આયોજન મુજબ ડીસાથી પ્રસ્થાન કર્યા બાદ સવારે 10:00 વાગ્યે અડાલજ નજીક આવેલા જમીયતપુરા ત્રિમંદિર ખાતે પહોંચવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાંથી આગળના કાર્યક્રમમાં ગૌભક્તો અને વેપારીઓ સહભાગી બનશે. ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે તેવી મુખ્ય માંગ સાથે યોજાનારા આ અભિયાનમાં ડીસાના વિવિધ વેપારી સંગઠનોનું સમર્થન મહત્વપૂર્ણ બન્યું છે. શહેરનાં એસોસિએશનો દ્વારા ધંધા-રોજગાર બંધ રાખવાના એલાનથી 27 નવેમ્બરના કાર્યક્રમને લઈને ડીસામાં ખાસ ચર્ચા જોવા મળી રહી છે.





