ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી યાત્રાનું સમાપન કરાયું
ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા, બનાસકાંઠા જિલ્લા દ્વારા ગુરુવારે ડીસા શહેરમાં સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
કાર્યક્રમની શરૂઆત ડીસાના બગીચા વિસ્તારમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ત્યાંથી સંવિધાન ગૌરવ યાત્રા કાઢવામાં આવી હતી, જે ડીસામાં આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી હતી. જ્યાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી તેમને નમન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા પ્રભારી ધવલભાઈ દવે, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડિયા, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા, ડીસા નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ સાધુ,અશ્વિનભાઈ સકસેના (પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપ અનુસૂચિત જનજાતિ ),બાળકૃષ્ણ જીરાલા (રેલવે ડિરેક્ટર), તથા ડીસા શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના યોગદાનને યાદ કરી બંધારણના મૂલ્યો અને સામાજિક સમરસતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો અને અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.





