વોર્ડ નંબર 1, 2, 3, 6, 9 અને 10ના સીમાંકન તથા મહિલા અનામતની ફાળવણી સામે ઉઠ્યા વાંધા: કલેક્ટર અને રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ લેખિત રજૂઆત
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મલાણા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય તે પહેલાં જ વોર્ડ સીમાંકનનો વિવાદ વકર્યો છે. ગામના કેટલાક મતદારો અને અરજદારોએ વોર્ડ નંબર 1, 2, 3, 6, 9 અને 10ના સીમાંકન તેમજ મહિલા અનામતની ફાળવણી સામે ગંભીર વાંધા ઉઠાવી વહીવટી તંત્ર સમક્ષ ન્યાયની માંગ કરી છે.
અરજદારોના આક્ષેપ મુજબ વોર્ડ સીમાંકન કરતી વખતે કુટુંબોના સભ્યોને અલગ- અલગ વોર્ડમાં વિભાજિત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, નજીકમાં આવેલા મકાનો ના નંબર હોવા છતાં તેમને અલગ-અલગ વોર્ડમાં સમાવવાના કારણે સીમાંકનની પ્રક્રિયા સામે સવાલો ઊભા થયા છે. આ ઉપરાંત મહિલા અનામતની ફાળવણીમાં પણ યોગ્ય પ્રક્રિયા અનુસરવામાં આવી ન હોવાની રજૂઆત કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે અગાઉ મામલતદાર કચેરીમાં લેખિત રજૂઆત કરી વાંધાઓનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી. જોકે, અરજદારોના જણાવ્યા મુજબ રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક સુધારો કરવામાં આવ્યો નથી. જેના પગલે હવે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર, જિલ્લા ચૂંટણી અધિકારી અને રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ લેખિત રજૂઆત કરી વોર્ડ સીમાંકનની પ્રક્રિયાની પુનઃતપાસ કરી જરૂરી સુધારા કરવાની માંગ ઉઠાવી છે. હવે જોવાનું એ રહ્યું કે ચૂંટણી પ્રક્રિયા આગળ વધે તે પહેલાં જિલ્લા વહીવટી તંત્ર ગ્રામજનો ની રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને મલાણા ગામના વોર્ડ સીમાંકનનો વિવાદ ઉકેલવા શું પગલાં ભરે છે.





