દાંતીવાડા-ચિત્રાસણી હાઈવે પર એક પિકઅપ ડાલું અને કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા બંને વાહનો ધડાકાભેર અથડાતા બંને વાહનોના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ અકસ્માતમાં વાહનમાં સવાર બે લોકોને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને કારણે રોડ પર થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો, જેને પોલીસે ઘટનાસ્થળે પહોંચી ખુલ્લો કરાવ્યો હતો.





