રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વાવ : 'આઈ-ખેડૂત' પોર્ટલ બન્યું ‘ધક્કા સેન્ટર’, સર્વર ડાઉનને પગલે ખેડૂતો હેરાન-પરેશાન

વાવ : 'આઈ-ખેડૂત' પોર્ટલ બન્યું ‘ધક્કા સેન્ટર’, સર્વર ડાઉનને પગલે ખેડૂતો હેરાન-પરેશાન

બાગાયત વિભાગ, ખેતીવાડી વિભાગ તેમજ પશુપાલન વિભાગની સહાયકારી યોજનાઓ આઈ-ખેડૂત પોર્ટલ પર કાર્યરત થઈ ત્યારથી ખેડૂતોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પોર્ટલના સર્વર વારંવાર ડાઉન થવાને કારણે ઑનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા અટવાઈ ગઈ છે. જે યોજનાઓને સરળ અને પારદર્શક બનાવવા માટે ઑનલાઇન કરવામાં આવી હતી, તે જ યોજનાઓ હવે ખેડૂતો માટે ‘ધક્કા સેન્ટર’માં ફેરવાઈ ગઈ છે.

આજે વિવિધ તાલુકા કેન્દ્રો પર જોવા મળતા દ્રશ્યો અત્યંત વેદનાજનક છે. સવારના ૮ વાગ્યાથી જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળે છે. કેટલાક ખેડૂતો તો પોતાના ગામથી બસમાં આવીને કલાકો સુધી બેસી રહે છે, પરંતુ સર્વર ડાઉન હોવાને કારણે એક પણ ફોર્મ ભરી શકતા નથી. પોર્ટલ પર લોગિન કરવામાં જ અડચણો આવે છે, ક્યારેક ફોર્મ અધવચ્ચે અટકી જાય છે અને ક્યારેક તો ‘સર્વર એરર’નો સંદેશો આવી જાય છે. આખા દિવસના પ્રયાસ પછી પણ ખેડૂતોના હાથે કંઈ આવતું નથી.

એક ખેડૂત અને ખેડૂતોને સેવાભાવી રીતે મદદ કરનાર નરેશકુમાર રાણાજી વેંઝિયાએ આજે આ અંગે વેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, “ખેડૂતો વારંવાર ધક્કા ખાઈ-ખાઈને કંટાળી ગયા છે. સવારથી કેન્દ્ર પર આવીને પૈસા અને સમયનો વ્યય કરવો પડે છે. આખો દિવસ બેસી રહેવા છતાં કામ પૂર્ણ થતું નથી. પોર્ટલ ડાઉન હોય ત્યારે અમારે ખેડૂતોને કહેવું પડે છે કે આવતીકાલે ફરી આવો. આમ કરતાં ખેડૂતોના દિવસો અને ખર્ચ બંને વધી જાય છે.” ખેડૂતોના કહેવા પ્રમાણે આ સમસ્યા સતત વધી રહી છે. ખાસ કરીને બાગાયત, પશુપાલન અને ખેતીવાડી વિભાગની સહાય યોજનાઓમાં અરજી કરવાની પ્રક્રિયા પોર્ટલ પર આવતાં જ આ તકલીફો શરૂ થઈ છે. પોર્ટલ પર ટેકનિકલ સમસ્યાઓનું સતત ઊભું રહેવું, સર્વરની ક્ષમતા અપૂરતી હોવી અને સમયસર જાળવણી ન થવી – આ તમામ કારણોસર ખેડૂતોને વ્યવહારિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખેડૂતો કહે છે કે, “જો પોર્ટલ જ કામ ન કરે તો ઑનલાઇન સિસ્ટમનો અર્થ શો? અમે તો પહેલાં જેવા જ ધક્કા ખાઈ રહ્યા છીએ, પરંતુ આ વખતે ઑનલાઇનના નામે વધુ પરેશાની વધી ગઈ છે.” સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે શરૂ કરવામાં આવેલી આ યોજનાઓ હવે ખેડૂતો માટે ‘સપનાં સાકાર’ નહીં, પરંતુ ‘સપનાં તોડનાર’ બની ગઈ છે.આ મુદ્દે સંબંધિત વિભાગો તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી. ખેડૂતોની માંગ છે કે પોર્ટલની સમસ્યાઓ તાત્કાલિક ઉકેલવામાં આવે અને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઓફલાઇન અથવા સરળ પ્રક્રિયા અપનાવવામાં આવે, જેથી ખેડૂતોને અનાવશ્યક પરેશાનીમાંથી મુક્તિ મળી શકે.આઈ-ખેડૂત પોર્ટલની આ સતત નિષ્ફળતા ખેડૂતોના વિશ્વાસને હચમચાવી રહી છે અને સરકારી યોજનાઓના અમલીકરણ પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર