TAT HS (ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ - હાયર સેકન્ડરી) પરીક્ષાના જાહેર થયેલા પરિણામ સામે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિણામની પદ્ધતિ અને ગુણાંકન સામે નારાજગી વ્યક્ત કરતાં ઉમેદવારોએ મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે.
ઉમેદવારોની મુખ્ય માંગ એ છે કે પરીક્ષાના બંને પેપરના ગુણ અલગ-અલગ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે અને સમગ્ર પરિણામનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે. ઉમેદવારોના જણાવ્યા મુજબ, વર્તમાન પરિણામ પ્રક્રિયાને કારણે અનેક લાયક ઉમેદવારોને અન્યાય થયો હોવાની લાગણી જન્મી છે. પરીક્ષાની મહેનત અને ક્ષમતા મુજબ યોગ્ય ગુણ ન મળ્યા હોવાનો આક્ષેપ પણ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો છે.
આ મામલે ઉમેદવારોએ તંત્ર સમક્ષ રજૂઆત કરીને તાત્કાલિક યોગ્ય તપાસ હાથ ધરવા અને પારદર્શક રીતે પુનઃચકાસણી કરવાની માંગ કરી છે, જેથી ઉમેદવારોના ભવિષ્ય સાથે કોઈ અન્યાય ન થાય. જો માંગણીઓ પર યોગ્ય વિચારણા નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.





