લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજીએ બુધવારે ગુજરાતની મુલાકાત દરમિયાન મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર વડનગરની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ એવા વડનગરમાં તેમણે ધાર્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા વિવિધ સ્થળોની મુલાકાત લઈને સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
વડનગર ખાતે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ૧૧ થી ૨૦ નવેમ્બર દરમિયાન ચાલી રહેલા ૧૦ દિવસીય 'વિશ્વ શાંતિ મહાયજ્ઞ'માં ઓમ બિરલાજી વિશેષ રૂપે સહભાગી થયા હતા. તેમણે યજ્ઞશાળાની પરિક્રમા કરી વૈદિક વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરી હતી અને દેશ તથા વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે તેમણે કાંચી કામકોટી પીઠના શંકરાચાર્ય સ્વામી શ્રી વિજયેન્દ્ર સરસ્વતીજી મહારાજ સાથે આધ્યાત્મિક સંવાદ કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેમણે પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવના દર્શન કર્યા હતા.
ધાર્મિક કાર્યક્રમ બાદ લોકસભા અધ્યક્ષે વડનગરના સમૃદ્ધ વારસાને દર્શાવતા વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી:પ્રેરણા શાળા અને બી.એન. હાઈસ્કૂલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું તે શાળાઓની મુલાકાત લઈ બિરલાજીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને જિજ્ઞાસુ બનવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી.પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય અને સંગીત સંગ્રહાલય: તેમણે વડનગરના ૨,૫૦૦ વર્ષ જૂના ઇતિહાસને દર્શાવતા આધુનિક 'આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમ' (પુરાતત્વીય સંગ્રહાલય) અને 'મ્યુઝિયમ ઓફ મ્યુઝિક'ની મુલાકાત લઈ નગરની પ્રાચીન સંસ્કૃતિ અને સંગીત વારસાની પ્રશંસા કરી હતી.શર્મિષ્ઠા તળાવ અને રેલવે સ્ટેશન: તેમણે શર્મિષ્ઠા તળાવ તેમજ વડનગર રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન ઓમ બિરલાજીએ જણાવ્યું હતું કે, વડનગર એ આધ્યાત્મિક વારસો, દૃઢ સંકલ્પ અને નિઃસ્વાર્થ લોકસેવાનું પ્રતીક છે. સામાન્ય પરિવારમાંથી આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંઘર્ષો અને પડકારોને પાર કરીને ૨૫ વર્ષ સુધી સતત મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે લોકસેવા કરી છે, જે દેશના દરેક નાગરિક અને યુવાનો માટે પ્રેરણાદાયી છે.આ મુલાકાત દરમિયાન તેમની સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, સ્થાનિક સાંસદ શ્રી હરિભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ ગાંધીનગર ખાતે તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પણ સૌજન્ય મુલાકાત કરી હતી.





