17 ડિસેમ્બરે નિયામક મંડળની મુદત પૂર્ણ થવાની છતાં ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ iનહીં થતાં સવાલો
કલેક્ટરથી મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો: ભરતી પ્રક્રિયા વચ્ચે ચૂંટણી વિલંબ ની ચર્ચાએ પકડ્યો વેગ
બનાસકાંઠા જિલ્લા સહકારી ક્ષેત્રની અગ્રણી બનાસબેંકના નિયામક મંડળની ચૂંટણી પ્રક્રિયાને લઈને વિવાદ વકર્યો છે. બેંકના વર્તમાન નિયામક મંડળની મુદત આગામી 17 ડિસેમ્બરના રોજ પૂર્ણ થવાની હોવા છતાં હજુ સુધી ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી ન હોવાના આક્ષેપોને લઈને સહકારી ક્ષેત્રમાં અનેક સવાલો ઉઠવા સાથે રાજકીય માહોલ પણ ગરમાયો છે. સહકારી નિયમો અને ચૂંટણી પ્રક્રિયાની જોગવાઈ મુજબ નિયામક મંડળની મુદત પૂર્ણ થવાના ત્રણ મહિના અગાઉથી ચૂંટણીલક્ષી પ્રક્રિયા શરૂ થવી જોઈએ, પરંતુ મુદત પૂર્ણ થવાની નજીક આવી હોવા છતાં ચૂંટણી અંગે કોઈ નક્કર કાર્યવાહી ન થતાં સહકારી મંડળીઓના ચેરમેનોમાં નારાજગી જોવા મળી રહી છે.
આ મામલે 24 સપ્ટેમ્બરના રોજ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર દ્વારા પત્ર લખવામાં આવ્યો હોવા છતાં જરૂરી ઠરાવો મંગાવવામાં આવ્યા ન હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ધાનેરા તાલુકાની સેવા સહકારી મંડળીઓના બે ચેરમેનોએ આ મુદ્દે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી બનાસબેંકના સંચાલક મંડળની ચૂંટણીનું જાહેરનામું તાત્કાલિક બહાર પાડી લોકશાહી ઢબે ચૂંટણી યોજવાની માંગ કરી છે. આ ઉપરાંત કલેક્ટર, રજિસ્ટ્રાર અને મુખ્યમંત્રી સુધી પણ રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.





