રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | વડગામ

વડગામ હનીટ્રેપ: ₹15 લાખની ખંડણી માંગનાર માજી સરપંચ અને પત્રકાર સહિત 3 ઝડપાયા

વડગામ હનીટ્રેપ: ₹15 લાખની ખંડણી માંગનાર માજી સરપંચ અને પત્રકાર સહિત 3 ઝડપાયા

વડગામ પંથકમાં એલસીબી પોલીસના સ્વાંગમાં હની ટ્રેપ કરનારા ગઠિયાઓને પોલીસે દબોચી લીધા

બનાસકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચએ વડગામ પંથકમાં બનેલા હનીટ્રેપ અને ખંડણીના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓ ને ઝડપી પાડ્યા છે. આરોપીઓ એ એક વયસ્ક અને સાધનસંપન્ન વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવી, પોલીસની ખોટી ઓળખ આપી અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.15 લાખની ખંડણી માંગ્યા બાદ રૂ.5 લાખ બળજબરીથી પડાવી લીધા હતા.

પોલીસ તપાસ મુજબ વડગામ પંથકના એક ગામના વયસ્ક વ્યક્તિનો મોબાઇલ નંબર મેળવી એક મહિલા આરોપીએ તેમની સાથે ફોન પર સંપર્ક સાધી પરિચય કેળવ્યો હતો. બાદમાં તેમને છાપી નજીક એકાંત સ્થળે મળવા બોલાવવામાં આવ્યા હતા. અગાઉથી રચાયેલા કાવતરાના ભાગરૂપે ત્યાં પહોંચેલા અન્ય આરોપીઓએ પોતે એલસીબીના અધિકારી અને માણસો હોવાનું જણાવી, બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. ત્યારબાદ ફરિયાદી પાસેથી રૂ.15 લાખની માંગણી કરવામાં આવી હતી અને રૂ.5 લાખ પડાવી લેવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે વડગામ પોલીસ મથકે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ એલસીબીની ટીમે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચાર પુરુષ અને બે મહિલા આરોપીઓ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મુખ્ય સૂત્રધાર વલીખાન ભીખુભાઈ પઠાણ, જયંતીભાઈ ગમાભાઈ કોઈટીયા અને ઝુલ્ફીકાર કાસમભાઈ મકરાણીને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે વડગામ પોલીસને સોંપ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે જયંતીભાઈ કોઈટીયા સરીપડા ગામના પૂર્વ સરપંચ છે જ્યારે ઝુલ્ફીકાર મકરાણી એક ન્યૂઝ ચેનલમાં પત્રકાર તરીકે કાર્યરત છે.

 પોલીસે ફરાર આરોપીઓ તરીકે ભાવનાબેન પ્રજાપતિ ઉર્ફે ભૂમિ પંચાલ, તેમની પાસે કામ કરતી આરતી તથા એક અજાણ્યા વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા છે.આરોપીઓ પાસેથી એક હોન્ડા સિટી કાર (GJ-01-RS-9542) તથા ત્રણ મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા છે. પોલીસને શંકા છે કે આરોપીઓએ અગાઉ પણ આ પ્રકારના હનીટ્રેપના ગુનાઓ આચર્યા હોઈ શકે છે, જેના આધારે વધુ તપાસ ચાલી રહી છે.પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓની મોડસ ઓપરેન્ડી (MO) એવી હતી કે વયસ્ક અને સંપન્ન વ્યક્તિઓને નિશાન બનાવી મહિલા મારફતે મિત્રતા કેળવવી, એકાંત સ્થળે બોલાવવા અને બાદમાં પોલીસની ખોટી ઓળખ આપી કેસમાં ફસાવવાની ધમકી આપી પૈસા પડાવવાના હતા.

 હની ટ્રેપ કેસ પર એક નજર

●હનીટ્રેપ કેસમાં એલસીબીની મોટી કાર્યવાહી

●રૂ.15 લાખની ખંડણી માંગવાનો આરોપ

●રૂ.5 લાખ બળજબરીથી પડાવ્યાનો ખુલાસો

●માજી સરપંચ અને પત્રકાર સહિત 3 આરોપી ઝડપાયા

●બે મહિલા સહિત 3 આરોપી હજુ ફરાર

●હોન્ડા સિટી કાર અને 3 મોબાઇલ જપ્ત.

 ●આરોપી જયંતીભાઈ કોઈટીયા સામે અગાઉ અમદાવાદમાં હનીટ્રેપ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

 ઝડપાયેલા આરોપીઓ

(1)જયંતીભાઈ ગમાભાઈ કોઈટીયા, સરીપડા

(2)વલીખાન ભીખુભાઈ પઠાણ, પાલનપુર

(3)ઝુલ્ફીકાર કાસમભાઈ મકરાણી, પાલનપુર

 વોન્ટેડ આરોપીઓ

(1)ભાવનાબેન પ્રજાપતિ ઉર્ફે ભૂમિ પંચાલ, રૂપાલ

આરતી (પૂરું નામ-સરનામું અજ્ઞાત)

(2)એક અજાણ્યો વ્યક્તિ.

 જપ્ત કરાયેલ મુદ્દામાલ

હોન્ડા સિટી કાર (GJ-01-RS-9542)

મોબાઇલ ફોન – 3 નંગ

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર