પાટણ સેશન્સ કોર્ટે અમદાવાદના જયેશ ઠક્કરની અરજી નામંજૂર કરી
પાટણમાં રૂ. 398 કરોડથી વધુના સાયબર ફ્રોડ અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોના કેસમાં સેશન્સ કોર્ટે અમદાવાદના જયેશકુમાર ધીરજલાલ ઠક્કરની આગોતરા જામીન અરજી ફગાવી છે. સેશન્સ જજ એચ.એસ. મુલીયએ આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી ગણાવી હતી.
61 વર્ષના જયેશ ઠક્કર અમદાવાદના વસ્ત્રાપુરમાં રહે છે. તેમની તરફથી કોર્ટમાં દલીલ કરાઈ હતી કે તેમના નામે કોઈ બેંક ખાતું નથી અને તેમણે ગ્રાહકો સાથે સીધી લેવડ દેવડ કરી નથી. તેમણે પોતાને નિવૃત્ત નાગરિક ગણાવી અટકાયતની આશંકા વ્યક્ત કરી હતી.બચાવ પક્ષે કહ્યું હતું કે એફઆઈઆરમાં જયેશનું નામ નહીં, પરંતુ જયદીપ ઉર્ફે જે.ડી. ઠક્કર લખાયું છે. કેસના સહ-આરોપી મનોજકુમાર ઉર્ફે લાલોને આગોતરા જામીન મળ્યા હોવાથી સમાનતાના આધારે જામીન આપવા પણ માગ કરાઈ હતી.સરકારી વકીલ જે. જે. બારોટે અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આરોપીઓએ નિર્દોષ લોકોના નામે હારીજ નાગરિક સહકારી બેંકમાં કરન્ટ ખાતાં ખોલાવ્યાં હતાં. ત્યારબાદ બેંકિંગ કિટ્સ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકોને અપાઈ હતી.
આ ખાતાઓમાં રૂ. 398 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હતા. આ મામલે દેશભરમાંથી 228 જેટલી ફરિયાદો અને અરજીઓ નોંધાઈ છે. સરકારી વકીલે કહ્યું હતું કે જયેશ ગુનો બન્યો ત્યારથી ફરાર છે અને કેસના મૂળ સુધી પહોંચવા તેની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે.કોર્ટે બંને પક્ષોની દલીલો,સાક્ષીઓનાં નિવેદનો, સીડીઆર અને તપાસ અધિકારીનું સોગંદનામું ધ્યાનમાં લીધાં હતાં. કોર્ટે કહ્યું કે એફઆઈઆરમાં જયદીપ નામ લખાવું ભૂલ હતી, પરંતુ ચાર્જશીટ અને અન્ય દસ્તાવેજોમાં જયેશ ઉર્ફે જે.ડી. ઠક્કરનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
કોર્ટના અવલોકન મુજબ, સહ-આરોપી મનોજકુમારની ભૂમિકા ખાતાં ભાડે આપવા પૂરતી હતી. જયેશ ઠક્કર ક્રિકેટ સટ્ટાના બુકીઓ માટે ભાડે ખાતાં મેળવતા, કરોડો રૂપિયાના વ્યવહારો કરાવતા અને પોતાના માણસો તથા આંગડિયા મારફતે કરોડોની રોકડ મેળવતા હોવાનું જણાયું હતું.કોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે ફરાર આરોપીને આગોતરા જામીન આપી શકાય નહીં. તપાસ માટે કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી ગણાવીને અરજી ફગાવી હતી.





