ખેતરેથી પાછા ફરતી વખતે પાણી પીવા જતાં પગ લપસ્યો, ધોરણ 5-9 માં ભણતા હતા જયેશ-દિવ્યા
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મઘાપુરા ગામ નજીક નાનાપુરા સીમમાં આવેલા તળાવમાં ડૂબી જવાથી સગા ભાઈ-બહેનનાં કરૂણ મોત નીપજ્યાં છે.ખેતરેથી પરત ફરતી વખતે તળાવમાં પાણી પીવા જતાં પગ લપસી પડવાથી બંને પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. આ બનાવની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય અને પોલીસ કાફલો ઘટના સ્થળે તથા હોસ્પિટલ દોડી ગયો હતો.
રાધનપુર તાલુકાના મઘાપુરા રામનગર વિસ્તારમાં રહેતા સવજીભાઈનાં બે સંતાનો જયેશ (ઉંમર 11 વર્ષ) અને દિવ્યા (ઉંમર 15 વર્ષ) ખેતરેથી પરત ફરી રહ્યાં હતાં. જયેશ ધોરણ 5માં જ્યારે દિવ્યા ધોરણ 9માં અભ્યાસ કરતાં હતાં. નાનાપુરા ગામની સીમમાંથી પસાર થતી વખતે તળાવ પાસે પાણી પીવા જતાં અકસ્માતે પગ લપસી જવાથી બંને તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયાં હતાં. આ દુર્ઘટનામાં બંનેનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં.
ઘટનાની જાણ થતાં જ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. અને પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર બનાવ અંગે વધુ કાનૂની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.





