મહેસાણા જિલ્લામાં પશુ આહારમાં મોટાપાયે ભેળસેળ ચાલતી હોવાની વ્યાપક ફરિયાદો અને વિવાદ બાદ વહીવટી તંત્ર દ્વારા મોટો સપાટો બોલાવવામાં આવ્યો છે. પશુપાલકોના સ્વાસ્થ્ય અને આર્થિક હિતો સાથે થતા ખીલવાડને રોકવા માટે સ્થાનિક તંત્ર અને ખોરાક ઔષધ નિયમન તંત્રે સંયુક્તપણે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ કામગીરી અંતર્ગત અલદેસણના 4 અને લીંચ ગામના 1 મળીને કુલ 5 મોટા ગોડાઉનો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.
તંત્રની દરોડાની આ કાર્યવાહી દરમિયાન ગોડાઉનોમાંથી કરોડો રૂપિયાની કિંમતનો શંકાસ્પદ ભેળસેળયુક્ત ખોળનો જથ્થો મળી આવ્યો હતો, જેને અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી સીઝ કરવામાં આવ્યો છે. તપાસ ટીમોએ વિવિધ ઉત્પાદકો અને બ્રાન્ડ્સના ખોળના શંકાસ્પદ સેમ્પલો લઈને તેને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે. પ્રાથમિક તપાસમાં પશુ આહારમાં ગુણવત્તા વગરના અને બિન-ખાદ્ય પદાર્થોની ભેળસેળ કરી પશુપાલકોને છેતરવામાં આવતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ કડક કાર્યવાહીથી ભેળસેળિયા તત્વો અને કાળાબજારીયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જો ભેળસેળની પુષ્ટિ થશે તો જવાબદાર ગોડાઉન માલિકો અને વેપારીઓ સામે કાયદાકીય ગુનો નોંધીને આકરામાં આકરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તંત્રના આ પગલાંથી સ્થાનિક પશુપાલકોમાં રાહતની લાગણી જોવા મળી છે.





