દિવાળીના તહેવાર દરમિયાન થરાદના ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહેલા પોલીસકર્મીઓએ રાજસ્થાન તરફથી આવતી શંકાસ્પદ સ્કોર્પિયો ગાડીને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે, ચાલકે ગાડી રોકવાને બદલે પૂરઝડપે હંકારી બેરિકેડ તોડી પોલીસકર્મીઓ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપીઓએ પોલીસકર્મીઓને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હિરેન ઉર્ફે હની રાજપૂત, કિરણ જોષી અને પ્રિન્સ જોષીને ઝડપી પાડ્યા હતા.
પોલીસ તપાસમાં મુખ્ય આરોપી હિરેન ઉર્ફે હની રાજપૂત અગાઉ એનડીપીએસ કેસમાં ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો ગાડી અને ત્રણ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ મામલે થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દિવાળીના તહેવાર દરમિયાન ફરજ બજાવતા પોલીસકર્મીઓ પર જ ગાડી ચડાવવાના પ્રયાસની ઘટનાએ ચેકપોસ્ટ પર પોલીસની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.





