બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સરપંચોનું સ્નેહમિલન શિહોરીની હોટલ આશીર્વાદ ખાતે કાંકરેજ તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ વિક્રમજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. આ કાર્યક્રમમાં તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ગ્રામ પંચાયતોને લગતા વિવિધ પડતર પ્રશ્નો અને સમસ્યાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ સ્નેહમિલન દરમિયાન ગ્રામ પંચાયતોના વિકાસકાર્યો, સ્થાનિક સ્તરે પડતર રહેલા પ્રશ્નો તેમજ સરપંચોને કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીઓ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતોના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે સંગઠિત બની સરકાર સમક્ષ રજૂઆત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠક બાદ ગ્રામ પંચાયતોને લગતા 21 મુદ્દાઓને આવરી લેતું આવેદનપત્ર કાંકરેજના મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રના માધ્યમથી ગ્રામ પંચાયતોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી.
વધુમાં, આગામી 23 ઓક્ટોબર, 2026ના રોજ ગાંધીનગર ખાતે યોજાનારા સરપંચોના સંમેલનમાં કાંકરેજ તાલુકાના તમામ ગામોના સરપંચોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયતોના વિવિધ પ્રશ્નો અને પડતર સમસ્યાઓના નિરાકરણ માટે ગાંધીનગર ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવનાર હોવાથી તમામ સરપંચોને હાજર રહેવા સંગઠનના પ્રમુખ અને મહામંત્રી દ્વારા જણાવાયું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમમાં કાંકરેજ તાલુકાના વિવિધ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના માધ્યમથી સરપંચો વચ્ચે પરસ્પર સંકલન મજબૂત બનાવવા તેમજ ગ્રામ્ય વિસ્તારોના વિકાસ અને ગ્રામ પંચાયતોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે એકજૂથ થઈને કામગીરી કરવાની દિશામાં ચર્ચા કરવામાં આવશે.





