શહેરના વિકાસને વધુ ગતિ મળશે: પાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુની અધ્યક્ષતામાં સભા સંપન્ન, સભ્યોએ વિકાસલક્ષી એજન્ડાને વધાવી લીધો
ડીસા નગરપાલિકાના સભાખંડ ખાતે આજે પાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુના અધ્યક્ષસ્થાને સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ અને જનસુખાકારીને સ્પર્શતા વિવિધ વિકાસલક્ષી કામોને સભાગૃહ દ્વારા બહુમતી અને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
આ ઉપરાંત શહેરીજનોની સુવિધા માટે સ્ટ્રીટ લાઇટો, સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારણા સહિતના અન્ય આનુષંગિક કામો પર સભ્યોએ રચનાત્મક સૂચનો રજૂ કર્યા હતા. પાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુએ જણાવ્યું હતું કે, નગરના તમામ વોર્ડમાં ભેદભાવ વગર સમાન વિકાસ થાય અને છેવાડાના વિસ્તારો સુધી પાયાની સવલતો પહોંચે તે પાલિકાની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
આ સાધારણ સભામાં ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર સહિત વિવિધ સમિતિઓના ચેરમેનો, શાસક અને વિરોધ પક્ષના નગરસેવકો તેમજ નગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના હિતમાં મોટાભાગના નિર્ણયો શાંતિપૂર્ણ વાતાવરણમાં સર્વસંમતિથી લેવાતા શહેરીજનોમાં પણ વિકાસ કાર્યો ઝડપથી શરૂ થવાની આશા બંધાઈ છે.





