ચાણસ્મા પંથકમાં વરસાદની અછતના પગલે ખેડૂતોને વાવેતર તેમજ સિંચાઈમાં પડી રહેલી હાલાકીને ધ્યાને રાખી ચાણસ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે.
કોંગ્રેસ આગેવાનોએ નર્મદા કેનાલ સાથે જોડાયેલા તળાવોમાં યુદ્ધના ધોરણે તાત્કાલિક પાણી છોડવા માંગ કરી છે.ચાણસ્મા તાલુકા કોંગ્રેસ સમિતિ તથા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોએ મામલતદાર કચેરી ખાતે એકત્ર થઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. રજૂઆતમાં જણાવ્યા અનુસાર, વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે અને લાંબા સમયથી નર્મદા માંથી પાણી ન છોડાતા ખેડૂતોને વાવેતર માટે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોના પાકને બચાવવા માટે સિંચાઈનું પાણી પૂરું પાડવું અત્યંત જરૂરી બન્યું છે.
આ ઉપરાંત ચાણસ્માના ધારાસભ્યએ જણાવ્યું હતું કે, અગાઉ વધુ વરસાદ થયો ત્યારે પણ ચાણસ્મા તાલુકા પ્રત્યે ઓરમાયું વર્તન રાખી યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું ન હતું. ત્યારે હાલ વરસાદ ઓછો હોવા છતાં સિંચાઈ માટે તળાવો માં પાણી પહોંચાડવાનું ઘણા સમયથી બંધ રખાયું છે.મામલતદાર મારફતે સરકાર સુધી ખેડૂતોની આ વેદના પહોંચાડવામાં આવે અને નર્મદા કેનાલ સાથે લિંક થયેલા તમામ તળાવોમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.





