ધાનેરામાં શંકાસ્પદ ડીપ્થેરીયાના કારણે બાળકનું મોત નીપજ્યું

બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં, નાના બાળકોનું રસીકરણ
આમ પ્રજામાં આરોગ્ય વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા
બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદી વાતાવરણના કારણે વાયરલ બીમારીઓના ઉપદ્રવ વચ્ચે ધાનેરાના થાવર ગામે સાત વર્ષના બાળકનું શઁકાસ્પદ ડિપ્થેરિયાના કારણે મોત નિપજતા જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને બાળકોમાં રસીકરણની કામગીરી હાથ ધરી છે પરંતુ તબેલામાંથી ઘોડા છૂટી ગયા જેવો ઘાટ ઘડાતા આમ પ્રજાએ આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. ધાનેરા તાલુકાના થાવર ગામે ધોરણ 2 માં ભણતા નિકુલ પ્રકાશભાઇ ભીલનું ડિપ્થેરિયાના શંકાસ્પદ રોગના કારણે મોત થયું છે. જેની વિગતો મુજબ બાળકને સામાન્ય બીમારી હોવાથી નાની હોસ્પિટલમાં સારવાર બાદ ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રિપોર્ટ કરાવતા ડિપ્થેરિયાના લક્ષણો દેખાયા હતા.જેમાં સાત વર્ષીય નિકુલનું મોત નીપજ્યું હતું.જેથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જો કે આ જ વિસ્તારનો વધુ એક બાળક પણ શંકાસ્પદ હોવાથી સારવાર હેઠળ છે. પરિવારજનોએ સમગ્ર મામલે આરોગ્ય તંત્ર પર બળાપો કાઠ્યો હતો અને આરોગ્ય વિભાગની કામગીરી બાબતે સવાલો ઉભા કર્યા હતા.જેમાં રસીકરણ બાબતે માત્ર કાગળ પર જ કામગીરી થતી હોવાની પ્રતીતી થઈ છે આ જ વિસ્તારના મોટા ભાગના બાળકોનું રસીકરણ થયું જ નથી. જે ટી.એચ. ઓ. અને આરોગ્ય વિભાગની બેદરકારી છતી કરી રહ્યું છે.જો કે બનાવના પગલે થાવર ગામમાં દોડી આવેલા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બ્રિજેશ વ્યાસે વાલીઓને સમજાવતા આખરે આરોગ્ય વિભાગ દ્વારા બાળકોમાં રસીકરણની કામગીરી હાથ ધરી છે.ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓ સજાગતા દાખવી તમામ બાળકોનું રસીકરણ કરાવે તે જરૂરી બન્યું છે.
આરોગ્ય વિભાગની ઘોર લાપરવાહી
મૃતક બાળકના પિતા પ્રકાશભાઇ ભીલ અને પરિવારજનોએ જણાવેલ કે,ધાનેરા વિસ્તારમાં અગાઉ 2017 માં લવારા ગામે ડિપ્થેરિયાના કારણે ત્રણ બાળકોના મોત થયા હતા અને હવે ચાલુ વર્ષે એક બાળક થાવર ગામે મોતને ભેટ્યું છે. ગામડાની પ્રજા અભણ હોવાથી રસી ન લેતા બાળકો ભોગ બની રહ્યા છે પણ વાલીઓને જાગૃત કરી રસીકરણ કરવામાં ધાનેરા ટી. એચ. ઓ. અને આરોગ્ય વિભાગ નિષ્ફ્ળ નીવડ્યું છે.હકીકતમાં ડિપ્થેરિયા રોગમાં રસી જ એક માત્ર વિકલ્પ છે એ વાત વાલીઓને અગાઉથી સમજાવી હોત તો કદાચ આ બાળકનો જીવ બચી ગયો હોત પણ આરોગ્ય વિભાગની સબ સલામતની નીતિના કારણે જ રસીકરણ યોગ્ય થતું નથી. એ વાત સત્ય સાબિત થઈ છે.
જિલ્લાભરમાં ઉઘાડ પગા ડૉક્ટરોનો રાફડો
બનાસકાંઠા જિલ્લા સહિત ધાનેરા તાલુકામાં પણ દરેકે દરેક ગામડે ઉઘાડ પગા અને ઊંટ વેદ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. ધોરણ 12 પાસ અને આયુર્વેદિક ડિગ્રી વાળા ડોક્ટરો પોતાના દવાખાનામાં ફાર્માસિસ્ટ વગર દવાઓ વેચે છે અને અમુક જગ્યાએ તો મોટી હોસ્પિટલ કરીને બેઠા છે. કેટલાક તો ધોરણ 12 પાસ ભણેલા ધાનેરા કે બહારની મોટી હોસ્પિટલમાં નોકરી કરેલા હોય તેઓ દવાખાનું લઈને બેઠા છે.છતાં આરોગ્ય વિભાગ ચૂપ બની તમાશો નિહાળે છે.પણ જ્યારે આવો મોતનો બનાવ બને ત્યારે તંત્ર દોડતું થાય છે. જેમાં પણ માત્ર નોટિસો આપી સબ સલામતના દાવા કરવામાં આવે છે.પરિણામે આરોગ્ય વિભાગની આ લાલીયાવાડીથી આમ પ્રજાનું આરોગ્ય જોખમાય છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
3 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
5 કલાક પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
