વિજયનગર ખાતે આવેલા પુણ્યશીલા નદીના બ્રિજ પર તેમજ મુખ્ય માર્ગો પર થતા બિનઅધિકૃત પાર્કિંગ અને દબાણોને કારણે એસટી (ST) બસોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોજિંદા ટ્રાફિક જામ અને અવરોધોના કારણે એસટી બસના ડ્રાઇવરો પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
મળતી વિગતો અનુસાર, વિજયનગર ગામમાં ઠેર-ઠેર થયેલા બિનઅધિકૃત દબાણો અને ખાસ કરીને છતરિયાથી લઈને બસ સ્ટેન્ડ સુધીના માર્ગ પર થતા આડેધડ વાહન પાર્કિંગને લીધે રસ્તાઓ સાંકડા બની ગયા છે. આ ઉપરાંત પુણ્યશીલા નદીના બ્રિજ પર પણ વાહનોનું અનધિકૃત પાર્કિંગ થતું હોવાથી મોટી એસટી બસોને પસાર થવામાં અત્યંત કઠિનાઈ પડે છે, જેના કારણે અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સ્થાનિક નાગરિકો અને મુસાફરોમાં ઉગ્ર માંગ ઉઠી છે. નાગરિકોની માંગ છે કે બસ સ્ટેન્ડ અને નદીના બ્રિજ પર કાયમી ટ્રાફિક કંટ્રોલ પોઇન્ટ ઊભો કરવામાં આવે અથવા ત્યાં કાયમી ધોરણે હોમગાર્ડના જવાનોની નિમણૂક કરવામાં આવે, જેથી આડેધડ પાર્કિંગ અટકાવી શકાય અને ટ્રાફિકનું યોગ્ય સંચાલન થઈ શકે.
જો તંત્ર દ્વારા આ દબાણો અને ગેરકાયદેસર પાર્કિંગ સામે વહેલી તકે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો નાછૂટકે એસટી વિભાગ દ્વારા ગામની અંદરથી પસાર થતી બસોના રૂટ બંધ કરવાની નોબત આવે તેવી ભીતિ સેવાઈ રહી છે, જેની સીધી અસર ગ્રામ્ય વિસ્તારના મુસાફરો અને વિદ્યાર્થીઓને પડશે.





