કારતક સુદ સાતમ, સોમવારના પવિત્ર દિવસે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિની સમગ્ર પંથકમાં ઠેર-ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈડર તાલુકાના કાનપુર ગામે ગ્રામજનો દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સ્થાનિક ભક્ત ચેલજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, કાનપુરના સ્થાનિક ગ્રામજનો દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આજે જલારામ બાપાના મંદિરે વિશેષ શણગાર કરી આરતી અને પૂજન-અર્ચન કરવામાં આવ્યા હતા. વીરપુરમાં પૂજ્ય જલારામ બાપા અને વીરબાઈ માતા દ્વારા શરૂ કરાયેલી અન્નદાન અને સદાવ્રતની પરંપરા આજે પણ સમગ્ર વિશ્વમાં નિઃસ્વાર્થ માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ જ સેવાકીય પરંપરાને આગળ ધપાવતા કાનપુર ખાતે પણ ગામના યુવાનો અને વડીલો દ્વારા ભક્તો માટે મહાપ્રસાદ (ભોજન પ્રસાદ)નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.





