અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલો અંદાજે રૂ. ૫૯,૭૧૨/- ની કિંમતનો મોંઘોદાટ મોબાઈલ ફોન પોલીસે ગણતરીના દિવસોમાં શોધી કાઢી, 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત મૂળ માલિકને સહી-સલામત પરત અર્પણ કર્યો છે.
મળતી વિગતો મુજબ, ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલા દ્વારા જિલ્લામાં ગુમ થયેલા તેમજ ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે ધનસુરા પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.કે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી. ધનસુરા તાલુકાના બાણી કમ્પા ખાતે રહેતા મયુરભાઈ જયંતિભાઈ પટેલનો રૂ. ૫૯,૭૧૨/- ની કિંમતનો 'સેમસંગ S25 5G' મોબાઈલ ગુમ થયો હતો, જે અંગે ધનસુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી.
ધનસુરા પોલીસના અ.હે.કો. સંજયકુમાર પ્રતાપસિંહ અને I.T. એક્સપર્ટ પરમ સંજયકુમાર પારેખે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના દિવસોમાં જ આ મોબાઈલ શોધી કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા મૂળ માલિક મયુરભાઈ પટેલને પોલીસ સ્ટેશન બોલાવી તેમનો મોબાઈલ પરત સોંપવામાં આવ્યો હતો. પોતાનો કીમતી મોબાઈલ પરત મળતા અરજદારે ધનસુરા પોલીસની ત્વરિત કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.





