જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાના અધ્યક્ષસ્થાને જિલ્લા રોગી કલ્યાણ સમિતિની પ્રથમ બેઠક યોજાઈ
અરવલ્લી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સીમાચિહ્ન સ્થાપિત થવા જઈ રહ્યું છે. મોડાસા ખાતે લાંબા સમયથી પ્રતીક્ષિત જનરલ હોસ્પિટલને કાર્યરત કરવાની દિશામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાના અધ્યક્ષસ્થાને જનરલ હોસ્પિટલ, મોડાસા ખાતે જિલ્લા રોગી કલ્યાણ સમિતિની પ્રથમ બેઠક યોજાઈ હતી. બેઠકમાં હોસ્પિટલને આગામી ડિસેમ્બર માસથી શરૂ કરવા માટે જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરવા અને બાકી રહેલી કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરવા અંગે વિસ્તૃત ચર્ચા અને આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં હોસ્પિટલની કામગીરીની પ્રગતિની સમીક્ષા સાથે જરૂરી મંજૂરીઓ, તબીબી સાધનો, મશીનરી, દવાઓ, કન્ઝ્યુમેબલ્સ અને માનવબળની ઉપલબ્ધતા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હોસ્પિટલને કાર્યરત કરવા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ, બિલ્ડિંગ યુઝ પરમિશન, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતની જરૂરી મંજૂરીઓ મેળવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. GMSCL મારફતે જરૂરી તબીબી સાધનોની ખરીદીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે.
આ હોસ્પિટલમાં OPD, ઇમરજન્સી, લેબર રૂમ, SNCU, ડાયાલિસિસ, બ્લડ સેન્ટર, લિંક ART સેન્ટર અને ડે-કેર કીમોથેરાપી જેવી આરોગ્ય સેવાઓ શરૂ કરવાનું આયોજન છે. આ ઉપરાંત MRI, CT Scan, Doppler, TMT અને 2-D Echo જેવી આધુનિક તપાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. હોસ્પિટલ માટે જરૂરી તબીબી અને અન્ય સ્ટાફની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.





