પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે ગંભીર સવાલો, રહીશોમાં ફફડાટ
ડીસા તાલુકાના નવી ભીલડી પંથકમાં તસ્કરોએ જાણે કાયદો અને વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ એક જ રાતમાં સાત બંધ મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. વેકેશનનો માહોલ હોવાથી પરિવારો બહારગામ ગયા હોવાનો પૂરો લાભ ઉઠાવી તસ્કરોએ આનંદ બંગલોઝ સોસાયટીમાં રહેતા ભરતભાઈ ચૌધરી (ફેન્સિંગ વાડના વેપારી), મયંકભાઈ પટેલ (શિક્ષક), નંદલાલ મીણા (રેલવે કર્મચારી), સંજનાબેન ભગોરા (શિક્ષિકા) અને ભરતભાઈ દેસાઈ (શિક્ષક)ના બંધ મકાનોના તાળાં તોડી ઘરનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો.
પ્રાથમિક વિગતો મુજબ ભરતભાઈ ચૌધરીના ઘરેથી અંદાજિત રૂ. ૧૦,૦૦૦, મયંકભાઈ પટેલના ઘરેથી રૂ. ૧૨,૦૦૦, નંદલાલ મીણાના ઘરેથી રૂ. ૫,૦૦૦, કનુભાઈ જોશીના ઘરેથી ૫,૦૦૦ની ચોરી અને ડાયમંડ વેપારી રણજીતસિંહ રાઠોડના ઘરે પણ સરસામાન ફેંદી ચોરીનો પ્રયાસ કર્યો હતો.જ્યારે સંજનાબેન ભગોરા અને ભરતભાઈ દેસાઈ બહારગામ હોવાથી તેમના મકાનમાં થયેલી ચોરીની ચોક્કસ વિગતો જાણી શકાઈ નથી. એક જ રાતમાં પાંચ મકાનોના તાળાં તૂટતાં સમગ્ર પંથકમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે.
ભીલડી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો બેફામ બન્યા છે. ખાસ કરીને આનંદ બંગલોઝ, રાજ સોસાયટી અને ધરણીધર સોસાયટી વિસ્તારમાં વારંવાર ચોરીના બનાવો બની રહ્યા છે. તસ્કરો પોલીસ પકડથી દૂર રહીને સતત ગુનાઓને અંજામ આપી રહ્યા છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે ગુનેગારોમાં ખાખીનો કોઈ ખોફ રહ્યો નથી અને પંથકમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે.





