જાહેર માર્ગો પર ખાણીપીણીની લારીઓનું સામ્રાજ્ય, ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો
બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ પણ ટ્રાફિકની સમસ્યા યથાવત્ રહી છે. શહેરના મુખ્ય બજારો, બસ સ્ટેન્ડ સહિતના વ્યસ્ત જાહેર માર્ગો પર ખાણીપીણીની લારીઓ અને ગલ્લાધારકોના દબાણને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સાંજના સમયે લારીઓની આસપાસ ગ્રાહકોનાં વાહનો આડેધડ પાર્ક થતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.
ખાસ કરીને સરદાર બાગ પાસે જાહેર માર્ગો પર દબાણો વધતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. સામાન્ય વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરતું ટ્રાફિક પોલીસ તંત્ર રસ્તા રોકીને ઊભી રહેતી લારીઓ સામે કેમ આંખ આડા કાન કરે છે ? તેવા સવાલો શહેરીજનોમાં ઉઠી રહ્યા છે. શું દબાણકારોને તંત્રની મીઠી નજર છે કે પછી કોઈના આશીર્વાદથી આ દબાણો ચાલી રહ્યાં છે.
ટ્રાફિકની અવ્યવસ્થાને કારણે વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને મહિલાઓને મુશ્કેલી પડી રહી છે. ગીચ ટ્રાફિકમાં ૧૦૮ એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો પણ અટવાઈ જવાની ભીતિ રહે છે. ત્યારે નગરપાલિકા અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે મેગા ડ્રાઇવ યોજી જાહેર માર્ગો પરથી દબાણો દૂર કરે અને ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી શહેરીજનોની માંગ ઉઠી છે.





